<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

T20 વર્લ્ડ કપ પૂર્વે ટીમ ઈન્ડિયાની છેલ્લી કસોટી; નવી મુંબઈમાં ટકરાશે : ગયા વર્ષના બે ફાઈનલિસ્ટ, જાણો ક્યાં અને કેવી રીતે જોશો લાઈવ પ્રસારણ

દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ સામેનો આ મુકાબલો ભારતીય ખેલાડીઓના ફોર્મ અને તૈયારીઓની સાચી કસોટી કરશે

મુંબઈ:T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં એક શાનદાર વોર્મ-અપ મેચ રમાવા જઈ રહી છે. વર્ષ 2024ના વર્લ્ડ કપની ફાઇનલમાં આ બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી, જેમાં ભારતે વિજય મેળવ્યો હતો. આજે ફરી એકવાર આ બંને દિગ્ગજ ટીમો આમને-સામને હશે, જેનાથી ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારત આગામી 7 ફેબ્રુઆરીએ યુએસએ સામે પોતાની પ્રથમ સત્તાવાર મેચ રમશે. તે પહેલા આજની મેચ પાઇલટ પ્રોજેક્ટ જેવી સાબિત થશે. કેપ્ટન અને મેનેજમેન્ટ આ મેચમાં શ્રેષ્ઠ ઓપનિંગ જોડી અને મિડલ ઓર્ડરના સંયોજનને ચકાસશે. દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ સામેનો આ મુકાબલો ભારતીય ખેલાડીઓના ફોર્મ અને તૈયારીઓની સાચી કસોટી કરશે.
આ મેચ આજે સાંજે ૭:૦૦ વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે ૬:૩૦ વાગ્યે ઉછાળવામાં આવશે. મુંબઈની આબોહવા અને સ્ટેડિયમની સ્થિતિને જોતા રનનો વરસાદ થવાની પૂરી શક્યતા છે.
જો તમે આ રોમાંચક મેચ ઘરે બેઠા જોવા માંગો છો, તો ટેલિવિઝન પર સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ જોઈ શકાશે. આ ઉપરાંત, જે મુસાફરીમાં છે અથવા મોબાઈલ પર મેચ જોવા માંગે છે, તેઓ Jio Hotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગ અને હાઈલાઈટ્સનો આનંદ માણી શકશે.
વર્લ્ડ કપના અભિયાનની શરૂઆત મજબૂત જીત સાથે કરવા માટે ટીમ ઈન્ડિયા આજે મેદાનમાં પોતાનું પૂરું જોર લગાવશે.

(7:56 PM IST)