<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

યુવા ભારતનો વિજયી દબદબો: એરોન જ્યોર્જની આક્રમક સદી સાથે ટીમ ઈન્ડિયા U19 વર્લ્ડ કપની ફાઇનલમાં, અફઘાનિસ્તાન પરાસ્ત!

૩૧૧ રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર ૪૧ ઓવરમાં જ હાંસલ કરી લીધો; હવે શુક્રવારે ખિતાબ માટે ઇંગ્લેન્ડ સામે જામશે 'મહાજંગ'

હરારે : ઝિમ્બાબ્વેની ધરતી પર રમાઈ રહેલા ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતે અફઘાનિસ્તાનને ૭ વિકેટે હરાવીને દસમી વખત ફાઇનલમાં પ્રવેશવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ૩૧૧ રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે જાણે મેદાન પર રનનો વરસાદ કર્યો હોય તેમ માત્ર ૪૧.૧ ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે સાબિત કરી દીધું છે કે કેમ તેઓ પાંચ વખત આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.

એરોન જ્યોર્જ અને સૂર્યવંશીની તોફાની બેટિંગ

ભારતની આ જીતનો અસલી હીરો ઓપનર એરોન જ્યોર્જ રહ્યો હતો. તેણે ૧૦૪ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૨ ગગનચુંબી છગ્ગાની મદદથી ૧૧૫ રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની સાથે બીજા ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર ૩૩ બોલમાં ૬૮ રન ફટકારીને અફઘાનિસ્તાનના બોલરોને લાઇન-લેન્થ ભૂલાવી દીધી હતી. કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ ૬૨ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

અફઘાનિસ્તાનની લડાયક બેટિંગ એળે ગઈ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં ૩૧૦/૪ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ફૈઝલ શિનોઝાદા (૧૧૦) અને ઉઝૈરુલ્લાહ નિયાઝાઈ (૧૦૧*) એ શાનદાર સદીઓ ફટકારી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનોના તોફાન સામે તેમનો આ સ્કોર પણ નાનો સાબિત થયો હતો. એરોન જ્યોર્જને તેની મેચ વિનિંગ ઈનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

હવે ઇંગ્લેન્ડ સામે ખિતાબી ટક્કર

ભારત હવે શુક્રવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. વર્ષ ૨૦૨૨માં પણ ભારતે યશ ધુલના નેતૃત્વમાં ઇંગ્લેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. શું ભારતીય યુવા બ્રિગેડ ફરી એકવાર ઈતિહાસ દોહરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનશે? સમગ્ર ભારતની નજર હવે શુક્રવારની ફાઇનલ પર છે.

(9:02 PM IST)