તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
T20 વર્લ્ડ કપ 2026: મેદાનમાં ભલે બાંગ્લાદેશી ટીમ નથી, પણ કોમેન્ટરી બોક્સમાં ગુંજશે આ બાંગ્લાદેશી દિગ્ગજનો અવાજ!
ICC એ 40 કોમેન્ટેટર્સની યાદી જાહેર કરી; અતહર અલી ખાન આ વર્લ્ડ કપમાં ભાગ લેનાર એકમાત્ર બાંગ્લાદેશી બનશે

મુંબઈ, તા. 6: આવતીકાલથી એટલે કે 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે ક્રિકેટ ચાહકોને મેદાન પર બાંગ્લાદેશની ટીમ રમતી જોવા મળશે નહીં. બાંગ્લાદેશ સરકારે સુરક્ષાના કારણોસર ટીમને ભારત મોકલવાનો ઇનકાર કરતા ICC એ તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા છે અને તેમના સ્થાને સ્કોટલેન્ડને તક મળી છે.
પરંતુ, બાંગ્લાદેશી ફેન્સ માટે એક ગર્વ લેવા જેવી બાબત સામે આવી છે. ICC એ આજે જાહેર કરેલી 40 સત્તાવાર કોમેન્ટેટર્સની યાદીમાં બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી અતહર અલી ખાનનું નામ સામેલ કર્યું છે. આ સાથે અતહર અલી ખાન આ આખા વર્લ્ડ કપમાં ભાગ લેનાર એકમાત્ર બાંગ્લાદેશી બની ગયા છે.
કોણ છે અતહર અલી ખાન?
ઢાકામાં જન્મેલા અતહર અલી ખાને લગભગ 10 વર્ષ સુધી બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. તેમણે 19 વનડે મેચમાં 532 રન બનાવ્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ કોમેન્ટરીની દુનિયામાં ખૂબ જ સફળ રહ્યા છે અને આજે તેઓ ICC ના સૌથી વિશ્વસનીય અને જાણીતા કોમેન્ટેટર્સમાંના એક માનવામાં આવે છે.
દિગ્ગજોની યાદીમાં સ્થાન
ભારતના મેદાનો પરથી અતહર અલી ખાનનો અવાજ સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી અને વસીમ અકરમ જેવા ક્રિકેટના મહાન ખેલાડીઓ સાથે સંભળાશે. આ વખતે કોમેન્ટરી પેનલમાં રવિ શાસ્ત્રી, નસિર હુસૈન, ઈયાન સ્મિથ અને દિનેશ કાર્તિક જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે. ભલે બાંગ્લાદેશની ટીમ મેદાન પર નથી, પણ અતહર અલી ખાનના માધ્યમથી બાંગ્લાદેશની હાજરી આ મેગા ઇવેન્ટમાં ચોક્કસપણે વર્તાશે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
