તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
ટીમ ઈન્ડિયાની જીત છતાં વાનખેડેમાં શરમજનક ફિયાસ્કો: અમેરિકા સામે માંડ-માંડ બચ્યું ભારત, બેટિંગમાં નોંધાયો કાળો રેકોર્ડ
T20 વર્લ્ડ કપની રોમાંચક જંગમાં નબળી ગણાતી યુએસએની ટીમ સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણિયે; ૨૭ બોલ સુધી બાઉન્ડ્રી માટે વલખાં માર્યા અને પાવરપ્લેમાં જ ૪ વિકેટો ગુમાવી - સૂર્યકુમારની લડાયક ઈનિંગે હારનું સંકટ ટાળ્યું પણ અશ્વિન સહિતના દિગ્ગજોએ આકરા પ્રહારો કર્યા

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપની હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે અમેરિકાને પરાજય તો આપ્યો, પરંતુ આ વિજય ભારતીય બેટિંગ લાઇન-અપની ખામીઓ ખુલ્લી પાડી ગયો છે. સામાન્ય રીતે બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાતી વાનખેડેની પિચ પર ભારતીય ધુરંધરો અમેરિકન બોલરો સામે લાચાર જોવા મળ્યા હતા. ટીમે આ મેચમાં સતત ૨૭ બોલ સુધી એક પણ બાઉન્ડ્રી ન ફટકારવાનો અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પાંચમી ઓવરથી લઈને દસમી ઓવર સુધી રન ગતિ સાવ થંભી ગઈ હતી, જે દર્શાવે છે કે ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર્સ પર અમેરિકાએ કેવું દબાણ ઉભું કર્યું હતું.
મેચની શરૂઆતથી જ ભારતીય ઇનિંગ્સ પત્તાના મહેલની જેમ વેરવિખેર થતી જોવા મળી હતી. પાવરપ્લે પૂરો થાય ત્યાં સુધીમાં ભારતે તેની ૪ મહત્વની વિકેટો માત્ર ૪૬ રનમાં ગુમાવી દીધી હતી, જે ભારતના T20 ઇતિહાસનો ત્રીજો સૌથી ઓછો પાવરપ્લે સ્કોર છે. એક સમયે ૧૩ ઓવરમાં ટીમનો સ્કોર ૭૭ રને ૬ વિકેટ હતો, જેના કારણે સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સમગ્ર બેટિંગ લાઇન-અપમાં માત્ર ૪ બેટ્સમેનો જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા, જે વિશ્વની સૌથી મજબૂત ગણાતી બેટિંગ ટીમ માટે ચિંતાનો વિષય છે.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે જવાબદારી સંભાળી હતી. તેમણે અણનમ ૮૪ રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને હારના મુખમાંથી બહાર કાઢ્યું હતું. તેમની સાથે તિલક વર્માએ ૨૫ રનનું મહત્વનું યોગદાન આપ્યું, પરંતુ બાકીના ખેલાડીઓ પેવેલિયન ભેગા થવામાં ઉતાવળ કરી રહ્યા હોય તેવું લાગતું હતું. પૂર્વ સ્પિનર આર. અશ્વિને સોશિયલ મીડિયા પર ટીમની ઝાટકણી કાઢતા લખ્યું કે, "આપણે કેટલા મોટા ખાડામાં પડી ગયા છીએ તે જુઓ." અશ્વિને પિચના બદલાયેલા મિજાજ અને બેટ્સમેનોના ખોટા અભિગમને આ નબળા પ્રદર્શન માટે જવાબદાર ગણાવ્યા હતા.
મેચ બાદ જીતનો ઉત્સાહ મનાવવાને બદલે કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની બેટિંગ નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, માત્ર જીત મેળવવાથી આપણી ભૂલો છુપાઈ જતી નથી અને આપણે આગામી મેચોમાં વધુ સમજદારી અને આયોજનબદ્ધ બેટિંગ કરવી પડશે. અમેરિકા જેવી ઉભરતી ટીમ સામે ભારતનું આવું કથળેલું પ્રદર્શન વર્લ્ડ કપના આગામી પડકારો માટે લાલબત્તી સમાન છે. ભલે પોઈન્ટ ટેબલમાં ભારતને ફાયદો થયો હોય, પરંતુ વાનખેડેના મેદાન પર નોંધાયેલો આ 'બાઉન્ડ્રી દુકાળ' ક્રિકેટ ચાહકો લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
