News of Monday, 9th February 2026
વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાને ટેકવ્યા ઘૂંટણ: ICC એ તમામ શરતો ફગાવી છતાં ‘પડોશી’ રમવા તૈયાર, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં જામશે જંગ!
બાયકોટની ધમકીઓ પડી ટૂંકી: પાકિસ્તાન બોર્ડની રેવન્યુ વધારવાની અને દ્વિપક્ષીય શ્રેણીની માંગણીઓ ઠુકરાવાઈ; આખરે હાર માની ટીમ મેદાનમાં ઉતરશે

કોલંબો: T20 વર્લ્ડ કપ 2026 ને લઈને ચાલી રહેલા લાંબા રાજકીય અને ખેલ જગતના ડ્રામાનો આખરે અંત આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સામે ઝૂકવું પડ્યું છે. પાકિસ્તાને ભારત સામે મેચ ન રમવાની અને વર્લ્ડ કપના બાયકોટની જે ધમકી આપી હતી તે પોકળ સાબિત થઈ છે. હવે નક્કી થયું છે કે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાપરાજયનો મુકાબલો રમાશે.
પાકિસ્તાને ભારત સામે રમવા માટે ICC સામે ૫ મોટી શરતો મૂકી હતી. જેમાં ICC ની કમાણીમાં મોટો હિસ્સો, ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત-પાક મેચોનો સમાવેશ થતો હતો. જોકે, ICC એ સ્પષ્ટ કહી દીધું કે દ્વિપક્ષીય શ્રેણી કરાવવી એ બોર્ડનો આંતરિક મામલો છે અને તેમાં ICC દખલ નહીં કરે. પરિણામે, પાકિસ્તાનની ૩ મુખ્ય માંગણીઓ ફગાવી દેવામાં આવી હતી અને અંતે તેમણે વિના શરતે મેદાનમાં ઉતરવાની સંમતિ આપી હતી.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશે સુરક્ષાના બહાને ભારતમાં રમવાની ના પાડી દીધી. ICC એ કડક વલણ અપનાવીને બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી તેની જગ્યાએ સ્કોટલેન્ડને એન્ટ્રી આપી દીધી હતી. આના સમર્થનમાં પાકિસ્તાને પણ ‘બાયકોટ’ નું નાટક શરૂ કર્યું હતું. જોકે, ICC ની કડક ચેતવણી અને આર્થિક નુકસાનના ડરથી પાકિસ્તાન હવે લાઈન પર આવી ગયું છે.
ક્રિકેટના ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે આ મેચ ૧૫ ફેબ્રુઆરીએ ભારતીય સમયાનુસાર સાંજે ૭:૦૦ વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હોટસ્ટાર (JioStar) પર જોઈ શકાશે. આમ, તમામ વિવાદો છતાં ક્રિકેટ જગતની સૌથી મોટી દુશ્મનાવટનો જંગ મેદાન પર જોવા મળશે તે હવે પાકું થઈ ગયું છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
