તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
ટીમ ઇન્ડિયા પર BCCIનું કડક વલણ : વર્લ્ડ કપમાં ફેમિલી સાથે નહીં રહીં શકે : હવે ખેલાડીઓએ એકલા જ જંગ જીતવો પડશે!
વર્લ્ડ કપ ૨૦૨૬ના હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે ક્રિકેટરોની પત્નીઓ અને મંગેતર સાથે રહેવાની માંગ ફગાવી: બોર્ડે સ્પષ્ટ કર્યું કે ધ્યાન માત્ર ટ્રોફી પર હોવું જોઈએ : હોટલના રૂમ શેરિંગ પર મુકાયો સખત પ્રતિબંધ

મુંબઈ: ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાઈ રહેલા ૨૦૨૬ T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે એક મોટો આંચકો આવ્યો છે. મેદાન પર વિરોધીઓને હરાવવાની રણનીતિ વચ્ચે, બીસીસીઆઈ (BCCI) એ મેદાનની બહાર પણ કડક શિસ્તના નિયમો લાગુ કરી દીધા છે. ખેલાડીઓએ વિનંતી કરી હતી કે ટુર્નામેન્ટ લાંબી હોવાથી તેમને તેમના પરિવાર સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ બોર્ડે આ માંગણીને ઠંડા કલેજે નકારી કાઢી છે. બોર્ડનું માનવું છે કે વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં ખેલાડીઓનું ધ્યાન સંપૂર્ણપણે રમત અને પ્રેક્ટિસ પર જ હોવું જોઈએ, અને પરિવારની હાજરીથી ધ્યાન ભટકી શકે છે.
બોર્ડની હાલની નીતિ મુજબ, ખેલાડીઓના પરિવારો વધુમાં વધુ ૧૪ દિવસ માટે પ્રવાસ પર સાથે રહી શકે છે, પરંતુ તે નિયમ માત્ર ૪૫ દિવસથી વધુ લાંબા વિદેશી પ્રવાસો માટે જ છે. ૨૦૨૬નો આ વર્લ્ડ કપ માત્ર એક મહિનો ચાલવાનો છે અને તે પણ મોટાભાગે ભારતમાં જ રમાઈ રહ્યો છે, તેથી બોર્ડે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાનો ઇનકાર કર્યો છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ' ના અહેવાલ મુજબ, જો ખેલાડીઓ ઈચ્છે તો તેમના પરિવાર માટે અલગ હોટલમાં વ્યવસ્થા કરી શકે છે, પરંતુ તેઓ ટીમની સત્તાવાર હોટલમાં કે ખેલાડીઓના રૂમમાં રોકાઈ શકશે નહીં. આ નિર્ણયથી કેટલાક વરિષ્ઠ ખેલાડીઓમાં નારાજગી હોવાનું મનાય છે, પરંતુ શિસ્તના નામે બોર્ડ ટસનું મસ થવા તૈયાર નથી.
ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી અમેરિકાને ૨૯ રનથી હરાવ્યું છે, પરંતુ અસલી કસોટી હવે શરૂ થશે. આગામી ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામેની મહામુકાબલા પહેલા બોર્ડના આ આદેશે ડ્રેસિંગ રૂમમાં ચર્ચા જગાવી છે. પાકિસ્તાન સામેની મેચ બાદ બાકીની તમામ મેચો ભારતમાં રમાવાની છે, જેનો અર્થ છે કે સુપર-૮ રાઉન્ડ સુધી ખેલાડીઓએ પોતાના પરિવારથી દૂર રહીને બાયો-બબલ જેવી શિસ્તમાં રહેવું પડશે. ક્રિકેટ ચાહકો માને છે કે જો આ કડક વલણથી ટીમમાં એકાગ્રતા વધે અને ૨૦૨૬નો કપ ભારત જીતે, તો બોર્ડનો આ 'કઠોર' નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થશે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
