<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ટી૨૦ વર્લ્‍ડકપ : દિલ્‍હીના મેદાનમાં ટીમ ઈન્‍ડિયાનો દબદબો જોવા મળશે, કાલે નામીબિયા સામે ‘વિરાટ' જંગ

અમેરિકા સામેની જીત સૂર્યકુમારની સેના હવે નામીબિયાને હંફાવવા તૈયાર; દિલ્‍હીમાં રનનો વરસાદ થવાની શકયતા

નવી દિલ્‍હી : આઈસીસી મેન્‍સ ટી૨૦ વર્લ્‍ડકપ ૨૦૨૬માં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની શાનદાર સફર આગળ વધારવા માટે તૈયાર છે. મુંબઈમાં અમેરિકા સામે રસાકસીભરી જીત મેળવ્‍યા બાદ, હવે આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્‍હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્‍ટેડિયમ ખાતે ભારત અને નામીબિયા વચ્‍ચે રોમાંચક મુકાબલો રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે ૭:૦૦ વાગ્‍યે મેચનો પ્રારંભ થશે.

પ્રથમ મેચમાં કેપ્‍ટન સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગ અને અર્શદીપ-સિરાજની ધારદાર બોલિંગના જોરે ભારતે વિજયી આગાઝ કર્યો છે. જોકે, ઓપનર અભિષેક શર્માની તબિયત નાદુરસ્‍ત હોવાના અહેવાલો વચ્‍ચે પ્‍લેઈંગ ઈલેવનમાં સંજુ સેમસન કે તિલક વર્માને તક મળી શકે છે. ઘરઆંગણે રમાતા આ વર્લ્‍ડકપમાં દિલ્‍હીના ચાહકો ટીમ ઈન્‍ડિયા પાસેથી ચોગ્‍ગા-છગ્‍ગાની રમઝટની આશા રાખી રહ્યા છે.

બીજી તરફ, નામીબિયાની ટીમ નેધરલેન્‍ડ સામેની હાર બાદ વાપસી કરવા માટે મથામણ કરશે. ગેહાર્ડ ઇરાસ્‍મસની આગેવાની હેઠળની નામીબિયાની ટીમ ભારત જેવા દિગ્‍ગજ દેશ સામે ઉલટફેર કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. જોકે, સ્‍પિનરો માટે અનુકૂળ ગણાતી દિલ્‍હીની પિચ પર કુલદીપ યાદવ અને અક્ષર પટેલ નામીબિયાના બેટ્‍સમેનો માટે મુશ્‍કેલી ઉભી કરી શકે છે.

મેચની વિગતો : તારીખ :૧૨ ફેબ્રુઆરી, સમયઃ સાંજે ૭:૦૦ કલાકે (IST), સ્‍થળઃ અરુણ જેટલી સ્‍ટેડિયમ, દિલ્‍હી, કયાં જોશોઃ સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ નેટવર્ક અને જિયો હોટસ્‍ટાર એપ પર લાઈવ.

(3:42 PM IST)