તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
T20 વર્લ્ડ કપ 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'ડબલ સુપર ઓવર'નો મહારોમાંચ; અફઘાનિસ્તાન સામે દક્ષિણ આફ્રિકાની શ્વાસ અધ્ધર કરતી જીત
રહેમાનુલ્લા ગુરબાઝના સળંગ 3 છગ્ગા એળે ગયા; છેલ્લી ઓવરના ડ્રામા અને બે સુપર ઓવર બાદ પ્રોટીઝ ટીમનો વિજય

અમદાવાદ: ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવો રોમાંચ આજે અમદાવાદના આંગણે જોવા મળ્યો. T20 વર્લ્ડ કપ 2026ની ગ્રુપ-Dની મેચમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રસાકસીની એવી જંગ જામી કે વિજેતા નક્કી કરવા માટે એક નહીં પણ બે-બે સુપર ઓવર રમવી પડી. અંતે દક્ષિણ આફ્રિકાએ અનુભવના જોરે અફઘાનિસ્તાનનું દિલ તોડીને જીત મેળવી હતી.
મેચનો મુખ્ય સ્કોર:
• દક્ષિણ આફ્રિકા: 187/6 (20 ઓવર)
• અફઘાનિસ્તાન: 187/10 (19.4 ઓવર)
• પરિણામ: દક્ષિણ આફ્રિકા બીજી સુપર ઓવરમાં 4 રને વિજેતા.
મેઈન મેચમાં શું થયું?
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોક (59) અને રિયાન રિકલ્ટન (61) વચ્ચેની 114 રનની ભાગીદારીને સહારે 187 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે 42 બોલમાં 84 રનની તોફાની ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરમાં કાગીસો રબાડાએ બે નો-બોલ નાખતા મેચ અફઘાનિસ્તાનના હાથમાં આવી ગઈ હતી, પરંતુ અંતિમ બોલે રન-આઉટ થતા સ્કોર ટાઈ થયો હતો.
પહેલી સુપર ઓવર: ફરીથી ટાઈ!
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરી 17 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 6 રનની જરૂર હતી અને ટ્રિસ્ટન સ્ટબ્સે સિક્સર ફટકારીને સ્કોર ફરીથી બરાબર કરી દીધો. આ સાથે મેચ બીજી સુપર ઓવરમાં ગઈ.
બીજી સુપર ઓવર: હાઈ-વોલ્ટેજ ડ્રામા
બીજી સુપર ઓવરમાં ડેવિડ મિલરે આક્રમક બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 23 રન ખડક્યા હતા. અફઘાનિસ્તાનને જીતવા માટે 24 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ગુરબાઝે કેશવ મહારાજની ઓવરમાં સળંગ 3 છગ્ગા ફટકારીને જીતની આશા જગાડી હતી, પરંતુ છેલ્લા બોલે 5 રનની જરૂર હતી ત્યારે ગુરબાઝ કેચ આઉટ થયો અને દક્ષિણ આફ્રિકાએ 4 રનથી મેચ જીતી લીધી.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
