તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
ભારત-પાક મહાજંગ પૂર્વે ગાવસ્કરનો માસ્ટરપ્લાન: "અર્શદીપને બહાર કરો!", પ્લેઈંગ-11 માં આ સ્ટાર સ્પિનરની એન્ટ્રી માટે લિટલ માસ્ટરે કરી ભલામણ
નામિબિયા સામે અર્શદીપની ધોલાઈથી ગાવસ્કર નારાજ; સૂર્યકુમારને કોલંબોની પીચ પર ૩ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાની સલાહ, સંજુ સેમસનની બેટિંગ ટેકનિક પર પણ ઉઠાવ્યા સવાલ

કોલંબો:T20 વર્લ્ડ કપ 2026માં ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટક્કર થવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પ્લેઈંગ-11 ને લઈને એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ગાવસ્કરનું માનવું છે કે પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પડતો મૂકીને સ્પિનરને તક આપવી જોઈએ.
તાજેતરમાં નામિબિયા સામેની મેચમાં અર્શદીપ સિંહની ઓવરોમાં જે રીતે રન વરસ્યા તેનાથી ગાવસ્કર ખુબ જ નારાજ છે. અર્શદીપ પોતાની ૪ ઓવરનો ક્વોટા પણ પૂરો કરી શક્યો નહોતો. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા જણાવ્યું કે, "શ્રીલંકાની પીચો હંમેશા સ્પિનરોને મદદરૂપ હોય છે. ઇતિહાસ ગૌરવ છે કે ભારતે અહીં સ્પિનરોની મદદથી મેચો જીતી છે. આથી, હું અપેક્ષા રાખું છું કે પાકિસ્તાન સામે અર્શદીપની જગ્યાએ કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સ્થાન મળે."
કેપ્ટન સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરતા ગાવસ્કરે કહ્યું કે તેમણે બોલિંગમાં કરેલા ફેરફારો સચોટ હતા. ખાસ કરીને વરુણ ચક્રવર્તી જ્યારે પણ બોલિંગ કરવા આવે છે ત્યારે વિકેટ ઝડપે છે, જે પાકિસ્તાન સામે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. બીજી તરફ, સંજુ સેમસને ભલે ૮ બોલમાં ૨૨ રન ફટકાર્યા હોય, પણ ગાવસ્કર તેની ટેકનિકથી સંતુષ્ટ નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે સંજુ ક્રીઝમાં ખૂબ પાછળ જાય છે, જો તેણે ઓપનિંગમાં સફળ થવું હોય તો આ ખામી સુધારવી પડશે.
પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ-11: ગાવસ્કરની સલાહ અને વર્તમાન ફોર્મને જોતા ભારત આ ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે છે:
ઈશાન કિશન (WK), અભિષેક શર્મા/સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (C), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન સૂર્યકુમાર લિટલ માસ્ટરની આ સલાહ માનીને ટીમમાં ફેરફાર કરે છે કે પછી અર્શદીપ પર ફરી વિશ્વાસ મૂકે છે
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
