<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

કાલે મેદાન ગજવશે મેન ઈન બ્‍લુઃ પાક.ને દબોચવા તૈયાર

રેકોર્ડ ભારતની તરફેણમાં: રાજકીય વિવાદો અને બહિષ્‍કારની ધમકીઓ વચ્‍ચે પણ આ મહામુકાબલાનો ક્રેઝ સાતમા આસમાને કોલંબોની ફલાઈટ અને હોટલના ભાડામાં બેફામ ઉછાળોઃ સજ્જડ સુરક્ષા વ્‍યવસ્‍થાઃ કાલે સાંજે ૭ વાગ્‍યાથી હાઈવોલ્‍ટેજ જંગ

નવી દિલ્‍હીઃ જ્‍યારે પણ મેદાન પર ભારત અને પાકિસ્‍તાનની ની ટીમો આમને-સામને હોય છે, ત્‍યારે આખું વિશ્વ થંભી જાય છે. આ વખતે ટી-૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ના હાઈ-વોલ્‍ટેજ મુકાબલા માટે કોલંબો તૈયાર છે. જોકે, આ મેચ જોવા માંગતા ચાહકો માટે ખિસ્‍સા ખાલી કરવા મજબૂરી બની ગઈ છે. પાકિસ્‍તાન દ્વારા અગાઉ કરાયેલા બોયકોટના ડ્રામા બાદ જેવી મેચની પુષ્ટિ થઈ, કે તરત જ હવાઈ ભાડા અને હોટલના ભાવ આસમાને પહોંચી ગયા છે.ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની ક્રિકેટ મેચ એટલે માત્ર રમત નહીં, પણ કરોડો લોકોની લાગણી અને ઉન્‍માદ. આવતીકાલે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્‍ટેડિયમમાં રમાનારા આ મહાજંગને લઈને હાલ શ્રીલંકાની રાજધાની છાવણીમાં ફેરવાઈ ગઈ છે. રમત શરૂ થાય તે પહેલા જ કોલંબોમાં મોંઘવારી અને ઉત્‍સાહનો 'બ્‍લાસ્‍ટ' જોવા મળી રહ્યો છે.

હવાઈ સફર બની ‘સોના'નીઃ રૂ.૨ લાખમાં એક ટિકિટ!

દિલ્‍હી અને મુંબઈથી કોલંબોની જે ફલાઈટ ટિકિટ સામાન્‍ય રીતે રૂ.૧૫,૦૦૦ થી રૂ.૨૫,૦૦૦માં મળતી હતી, તેના ભાવ અત્‍યારે પાંચ ગણા વધી ગયા છે.

દિલ્‍હીથી કોલંબોઃ ઈકોનોમી ક્‍લાસની ટિકિટ રૂ.૯૦,૦૦૦ થી રૂ.૧.૪૦ લાખ સુધી પહોંચી છે, જ્‍યારે બિઝનેસ ક્‍લાસ માટે ચાહકોએ રૂ.૨,૦૦,૦૦૦ થી રૂ.૨.૨૫ લાખ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

મુંબઈથી કોલંબોઃ અહીં પણ સ્‍થિતિ સમાન છે, જ્‍યાં સીધી ફલાઈટના ભાવ રૂ.૬૦,૦૦૦ થી રૂ.૯૦,૦૦૦ ની વચ્‍ચે બોલાઈ રહ્યા છે.

હોટલના ભાડામાં ૩૦૦%નો ઉછાળો

કોલંબોની ફાઈવ સ્‍ટાર હોટલોમાં એક રાતનું ભાડું જે સામાન્‍ય રીતે રૂ.૩૦,૦૦૦ થી રૂ.૪૦,૦૦૦ હોય છે, તે અત્‍યારે રૂ.૧.૧૫ લાખ ને વટાવી ગયું છે. પ્રવાસન નિષ્‍ણાતો આ સ્‍થિતિને ઈવેન્‍ટફલેશન (Eventflatioઁ) કહી રહ્યા છે. હોટલ માલિકોના જણાવ્‍યા અનુસાર, મેચ જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ ૯૦% થી વધુ રૂમ બુક થઈ ગયા હતા.

બંને ટીમો અલગ-અલગ હોટલમાં કેમ રોકાશે?

ક્રિકેટ ચાહકોમાં એ ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે કે ભારત અને પાકિસ્‍તાનની ટીમોને અલગ-અલગ હોટલમાં કેમ રાખવામાં આવી છે. આ પાછળના મુખ્‍ય કારણો નીચે મુજબ છે

કડક સુરક્ષા પ્રોટોકોલઃ ભારત-પાકિસ્‍તાન મેચ હંમેશા સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. બંને ટીમોને એક જ હોટલમાં રાખવાથી સુરક્ષા વ્‍યવસ્‍થા જાળવવી અને ભીડને નિયંત્રિત કરવી મુશ્‍કેલ બને છે.

પ્રોટોકોલ અને લોજાિસ્‍ટિક્‍સઃ ICC અને સ્‍થાનિક ક્રિકેટ બોર્ડ (SLC) ના નિયમો મુજબ, હાઈ-પ્રોફાઈલ ટીમો માટે અલગ લોજિસ્‍ટિક્‍સ વ્‍યવસ્‍થા કરવામાં આવે છે જેથી ખેલાડીઓની પ્રાઈવસી જળવાઈ રહે.

રાજકીય તણાવઃભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના ભૌગોલિક-રાજકીય સંબંધોને ધ્‍યાનમાં રાખીને, આયોજકો કોઈપણ પ્રકારના બિનજરૂરી વિવાદ કે ઘર્ષણને ટાળવા માટે ટીમોને અલગ રાખવાનું પસંદ કરે છે.

અહેવાલો મુજબ, પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ અગાઉ હોટલથી સ્‍ટેડિયમનું અંતર વધારે હોવા અંગે ફરિયાદ કરી હતી, જેના કારણે તેમના લોકેશનમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે.

મેચની વિગતોઃ તા.૧૫ ફેબ્રુઆરી,  (રવિવાર) સમયઃરાત્રે ૭ વાગ્‍યે (ભારતીય સમયાનુસાર) સ્‍થળઃ આર. પ્રેમદાસા સ્‍ટેડિયમ, કોલંબો.

કોલંબો અત્‍યારે જાણે ક્રિકેટના રંગે રંગાયું છે. ભલે ખિસ્‍સા પર ભાર વધ્‍યો હોય, પણ ચાહકો માટે પોતાના દેશને જીતતા જોવા જેવો બીજો કોઈ લ્‍હાવો નથી.

(12:17 PM IST)