News of Saturday, 14th February 2026
કોલંબોમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કે સ્પિનરોની માયાજાળ? ભારત-પાક જંગ પહેલા પીચ રિપોર્ટે વધાર્યું સસ્પેન્સ; પાકિસ્તાની છાવણીમાં ખુશીનો માહોલ
પ્રેમદાસાની પીચ પર બોલરોનું રાજ ચાલશે: ઓસ્ટ્રેલિયા-ઝિમ્બાબ્વે મેચવાળી જ પીચ પર રમાશે મહામુકાબલો; ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કરી શકે છે મોટા ફેરફાર, કુલદીપ અને વોશિંગ્ટનની એન્ટ્રી નક્કી!

કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે રમાનાર મહામુકાબલા પહેલા સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ પર મંડાયેલી છે. મેચ શરૂ થાય તે પહેલા જ સ્ટેડિયમની પીચને લઈને એક મોટો ખુલાસો થયો છે, જે બેટ્સમેનોની ઊંઘ ઉડાવી શકે છે અને બોલરોને બખ્ખા કરાવી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પીચની તસવીરો સૂચવે છે કે આ મેચ હાઈ-સ્કોરિંગ નહીં પણ 'લો-સ્કોરિંગ' થ્રીલર બની શકે છે.
જૂની પીચ પર નવો જંગ: બોલરો માટે સ્વર્ગ
રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો એ જ પીચ પર રમાશે જ્યાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર થઈ હતી. તે મેચમાં બેટ્સમેનો રન બનાવવા માટે ઝઝૂમતા જોવા મળ્યા હતા અને બોલરોએ તરખાટ મચાવ્યો હતો. પીચ પર બોલ ટર્ન થવાની સાથે સાથે રોકાઈને આવતો હોવાથી બેટ્સમેનો માટે મોટા શોટ્સ ફટકારવા લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.
પાકિસ્તાનનો 'સ્પિન પ્લાન' અને ભારતની વળતી રણનીતિ
આ પીચ રિપોર્ટથી પાકિસ્તાની ટીમ વધુ ઉત્સાહમાં જણાઈ રહી છે, કારણ કે તેઓ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં પાંચ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ પીચના મિજાજને જોઈને અંતિમ ઘડીએ ફેરફાર કરી શકે છે. ચર્ચા છે કે, રિંકુ સિંહના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળી શકે છે, જ્યારે કુલદીપ યાદવની ચાઈનામેન સ્પિન પાકિસ્તાની બેટ્સમેનોને મુંઝવવા માટે તૈયાર છે. ભારત પણ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
વરસાદનું વિઘ્ન અને સંભવિત પ્લેઈંગ-11
કોલંબોમાં હાલ વરસાદે પણ દસ્તક આપી છે, જેના કારણે મેચ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. જો મેચ રમાય છે, તો પીચ પર રહેલો ભેજ ફાસ્ટ બોલરોને પણ શરૂઆતમાં મદદ કરી શકે છે. ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહની જોડી સાથે અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીની સ્પિન જોડી પાકિસ્તાન સામે 'બ્રહ્માસ્ત્ર' સાબિત થઈ શકે છે.
આવતીકાલે માત્ર બેટ અને બોલ વચ્ચેનો જંગ નહીં, પણ બંને ટીમોના કેપ્ટનોની વ્યૂહરચનાની પણ કસોટી થશે. હવે જોવાનું એ રહેશે કે કોલંબોની આ કઠિન પીચ પર કોણ બાજી મારે છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
