તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
IND vs PAK: કોલંબોમાં ખેલાશે પાંચ 'ખતરનાક' જંગ, આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાનના સુપરસ્ટાર્સ!
બુમરાહની ઘાતક યોર્કર સામે સાહિબજાદાનો પડકાર અને શાહીનની સ્પેલ સામે અભિષેકની આક્રમકતા; T20 વર્લ્ડ કપના મહામુકાબલામાં આ ખેલાડીઓ વચ્ચેનું 'વૉર' નક્કી કરશે મેચનું પરિણામ

કોલંબો:ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર બે દેશો વચ્ચેની રમત નથી, પરંતુ તે મેદાન પર રમાતું એક માનસિક યુદ્ધ પણ છે. ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં જ્યારે બંને ટીમો ટકરાશે, ત્યારે ચાહકોની નજર ખાસ કરીને પાંચ એવા વ્યક્તિગત મુકાબલા પર રહેશે જે મેચનો પાસો પલટી શકે છે. આ વખતે આંકડાઓ પણ ચોંકાવનારા છે, કારણ કે પાકિસ્તાનના કેટલાક બેટ્સમેનોએ ભારતીય બોલરો પર વર્ચસ્વ જમાવ્યું છે, તો ભારતના યુવા લોહીએ પાકિસ્તાનના દિગ્ગજ બોલરોની ઊંઘ હરામ કરી દીધી છે.
સૌથી રસપ્રદ લડાઈ ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા અને શાહીન આફ્રિદી વચ્ચે જોવા મળશે. ૨૦૨૫ એશિયા કપમાં અભિષેકે શાહીનના ૧૯ બોલમાં જ ૩૬ રન ફટકારીને સાબિત કર્યું હતું કે તેને પાકિસ્તાની ગતિથી ડર લાગતો નથી. બીજી તરફ, પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન ભારતના મુખ્ય હથિયાર જસપ્રીત બુમરાહ સામે અત્યાર સુધી અપરાજિત રહ્યો છે. ફરહાને બુમરાહના ૩૪ બોલમાં ૫૧ રન ઝૂડ્યા છે અને હજુ સુધી બુમરાહ તેને આઉટ કરી શક્યો નથી, જે જોવું ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે.
સ્પિન વિભાગમાં પણ જોરદાર ટક્કર જોવા મળશે. ભારતીય યુવા સ્ટાર તિલક વર્મા અને પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદ વચ્ચેનું 'માઈન્ડ ગેમ' જોવા જેવું હશે. તિલકે અબરાર સામે સાવચેતીપૂર્વક બેટિંગ કરી છે પણ હજુ સુધી વિકેટ આપી નથી. તો વળી, પાકિસ્તાનનો નવો મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક, જે પોતાની અનોખી બોલિંગ એક્શનને કારણે ચર્ચામાં છે, તે હાર્દિક પંડ્યાના પાવર-હિટિંગ સામે કેવો દેખાવ કરે છે તેના પર સૌની નજર રહેશે. હાર્દિક સામાન્ય રીતે સ્પિનરો સામે મોટા શોટ્સ રમવા માટે જાણીતો છે.
ડાબા હાથના ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો પણ ઓછો રોમાંચક નહીં હોય. પાકિસ્તાનનો ઓપનર સેમ અયૂબ અને ભારતનો ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ અર્શદીપ સિંહ ઇનિંગની શરૂઆતમાં જ આમને-સામને થશે. સેમની આક્રમક શરૂઆત રોકવી એ અર્શદીપ માટે મોટો પડકાર હશે. આ પાંચ લડાઈઓ માત્ર મેદાનના આંકડા નથી, પરંતુ કરોડો ચાહકોના જજબાત છે. હવે જોવાનું એ રહેશે કે કોલંબોના આ રણસંગ્રામમાં કયો યોદ્ધા બાજી મારે છે અને કોણ મેદાન છોડીને જાય છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
