<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

અમદાવાદમાં 'કિંગ કોહલી'નો જાદુ: અફઘાની વિસ્ફોટક બેટરની તોફાની બેટિંગ જોઈ વિરાટે ભેટ કરી પોતાની ખાસ 'તલવાર'

ડબલ સુપર ઓવરના રોમાંચ વચ્ચે રહેમાનુલ્લા ગુરબાઝની ૮૪ રનની ઇનિંગે જીત્યું કોહલીનું દિલ; મેચ હાર્યા છતાં અફઘાની ખેલાડીને મળી લેજેન્ડરી ભેટ

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર અગ્રેસિવ અંદાજમાં દેખાતો વિરાટ કોહલી મેદાનની બહાર કેટલો ઉદાર છે, તેનો પુરાવો ફરી એકવાર અમદાવાદમાં જોવા મળ્યો. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ ૨૦૨૬માં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી હૃદયના ધબકારા વધારી દે તેવી મેચમાં અફઘાન ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે જે રીતે બેટિંગ કરી, તેનાથી વિરાટ કોહલી મંત્રમુગ્ધ થઈ ગયો હતો. વિરાટે આ યુવા ખેલાડીની પ્રતિભાનું સન્માન કરતા તેને પોતાના બે કિંમતી બેટ ભેટમાં આપ્યા છે, જેને ગુરબાઝે પોતાની જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ કોઈ બોલિવૂડ થ્રિલર જેવી હતી. ગુરબાઝે માત્ર ૪૨ બોલમાં ૮૪ રન ફટકારીને દક્ષિણ આફ્રિકાના બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. મેચ ડબલ સુપર ઓવર સુધી ખેંચાઈ હતી, જેમાં ગુરબાઝે છેલ્લી ઘડીએ સતત ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકારીને અફઘાનિસ્તાનને લગભગ જીત અપાવી જ દીધી હતી. જોકે, અંતે અફઘાનિસ્તાન ૪ રનથી હારી ગયું, પણ ગુરબાઝની લડાયક વૃત્તિ જોઈને વિરાટ કોહલીથી રહેવાયું નહીં. મેચ બાદ વિરાટે ગુરબાઝને મળીને તેના વખાણ કર્યા અને પોતાનું સ્પેશિયલ બેટ આપીને તેને પ્રોત્સાહિત કર્યો.

ગુરબાઝે સોશિયલ મીડિયા પર આ ખાસ ભેટનો ફોટો શેર કરતા ભાવુક પોસ્ટ લખી છે કે, "તમે માત્ર એક લેજેન્ડ નથી, પણ દરેક પેઢી માટે પ્રેરણા છો. આટલી શાનદાર ભેટ માટે આભાર વિરાટ ભાઈ." અગાઉ રિંકુ સિંહ અને શાકિબ અલ હસન જેવા ખેલાડીઓને પણ વિરાટ બેટ ગિફ્ટ કરી ચૂક્યો છે, પરંતુ વર્લ્ડ કપની આ હાઈ-વોલ્ટેજ મેચ બાદ ગુરબાઝને મળેલી આ ભેટ તેના કરિયર માટે 'સંજીવની' સાબિત થઈ શકે છે. ક્રિકેટ ચાહકો વિરાટની આ સ્પોર્ટિંગ સ્પિરિટના સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ કરી રહ્યા છે.

(1:32 PM IST)