<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભારત-પાક મહાયુદ્ધ પહેલા જંગ: સંજય માંજરેકરની 'હાથ મિલાવવા' પરની ટિપ્પણીથી ક્રિકેટપ્રેમીઓ લાલઘૂમ

માંજરેકરે ટીમ ઈન્ડિયાના વલણને ગણાવ્યું 'મૂર્ખતાપૂર્ણ'; સોશિયલ મીડિયા પર ફેન્સનો જોરદાર આક્રોશ અને ટ્રોલિંગનો મારો

મુંબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેદાન પરના મુકાબલા પહેલા જ સોશિયલ મીડિયાના મેદાનમાં વિવાદનો સ્કોર બોર્ડ ઉંચો ગયો છે. હાઈ-વોલ્ટેજ મેચની ગણતરીની કલાકો બાકી છે ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે એક એવું નિવેદન આપ્યું છે જેણે ભારતીય ચાહકોના જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. ભારત-પાક સરહદ પર વધતા તણાવ અને આતંકવાદી ઘટનાઓના વિરોધમાં જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખેલદિલીના નામે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, ત્યારે માંજરેકરે આ વલણને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવીને નવો વિવાદ છેડ્યો છે.

માંજરેકરે પોતાના ઓફિશિયલ 'X' હેન્ડલ પર લખ્યું કે, "ભારતે આ 'હાથ ન મિલાવવાની' જે પ્રથા શરૂ કરી છે તે મૂર્ખતાપૂર્ણ છે. આપણા જેવા દેશ માટે આ યોગ્ય નથી. કાં તો રમતની ભાવનાથી રમો અથવા બિલકુલ ન રમો." માંજરેકરની આ સલાહ ભારતીય ચાહકોને જરાય ગળે ઉતરી નથી. ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે દેશમાં જે આક્રોશ છે, તેની વચ્ચે માંજરેકરનું આ નિવેદન 'દેશપ્રેમ' વિરુદ્ધનું ગણાઈ રહ્યું છે. ચાહકોએ માંજરેકરને ટ્રોલ કરતા લખ્યું છે કે જ્યારે દેશના જવાનો સીમા પર શહીદ થતા હોય ત્યારે ક્રિકેટમાં 'ખેલદિલી'ની વાત કરવી તે શરમજનક છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ માંજરેકર પોતાની ટિપ્પણીઓને કારણે વિવાદોમાં રહ્યા છે, પરંતુ આ વખતે મામલો રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો હોવાથી સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ રહી છે. શું રમતને રાજનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાથી અલગ રાખી શકાય? આ સવાલ પર અત્યારે આખું ઈન્ટરનેટ બે ભાગમાં વહેંચાઈ ગયું છે, પરંતુ બહુમતી ચાહકો સૂર્યકુમાર યાદવના કડક વલણની તરફેણમાં ઉભા જોવા મળી રહ્યા છે.

(2:42 PM IST)