<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

IND vs PAK: મેદાનમાં ખેલાડીઓ ઉતરે તે પહેલા પાકિસ્તાની ડગઆઉટમાં 'સાપ'ની એન્ટ્રી, સ્ટેડિયમમાં મચી ગઈ અફરાતફરી

કોલંબોના મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન સાપ દેખાતા પાકિસ્તાની કેમ્પમાં ફાળ પડી; વરસાદના સંકટ વચ્ચે ડ્રામા અને સસ્પેન્સ વધ્યું

કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ જંગ પહેલા કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં એક એવી ઘટના ઘટી જેણે સૌના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. રવિવારની મહામેચ માટે જ્યારે બંને ટીમો પ્રેક્ટિસમાં વ્યસ્ત હતી, ત્યારે અચાનક પાકિસ્તાની ટીમના ડગઆઉટ પાસે એક વિશાળ સાપ દેખાતા ગભરાટ ફેલાઈ ગયો હતો. જે જગ્યાએ પાકિસ્તાનના ખેલાડીઓ બેસવાના હતા, ત્યાં જ સાપની હાજરીથી થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ગ્રાઉન્ડ સ્ટાફના એક સભ્યએ સમયસૂચકતા વાપરી સાપને પકડી પેકેટમાં પેક કરી સ્ટેડિયમની બહાર ખસેડ્યો હતો.

આ ઘટનાએ મેચના રોમાંચમાં વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો મજાકિયા અંદાજમાં કહી રહ્યા છે કે પાકિસ્તાની ટીમ મેદાન પર ઉતરે તે પહેલા જ 'કુદરતે' ડરાવવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ, રમતની વાત કરીએ તો આંકડા ભારતની તરફેણમાં છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત ૭-૧ થી આગળ છે. આજે સાંજે જ્યારે ૭ વાગ્યે મેચ શરૂ થશે, ત્યારે ભારત ૮-૧ ની લીડ લેવા માંગશે, જ્યારે પાકિસ્તાન ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરશે. જોકે, આ રસાકસી વચ્ચે સાંજે ૬ વાગ્યાની આસપાસ વરસાદ પડવાની પણ ૬૦% શક્યતા છે, જે ટોસમાં વિલંબ કરાવી શકે છે.

શું ટીમ ઈન્ડિયા કોલંબોમાં ફરી એકવાર વિજય પતાકા લહેરાવશે કે પછી પાકિસ્તાન કોઈ ઉલટફેર કરશે? સાપના આ 'ગેસ્ટ એપિયરન્સ' બાદ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે માત્ર સાપ જ નહીં, પણ ચોગ્ગા-છગ્ગાના ગુંજારવની રાહ જોવાઈ રહી છે.

(2:55 PM IST)