તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચાશે: સેમી-ફાઇનલમાં પહેલીવાર પહોંચેલા ઉત્તરાખંડ અને J&K ના 'જાયન્ટ કિલર' બનવા પર નજર
ભૂતપૂર્વ ચૅમ્પિયન કર્ણાટક અને બંગાળ સામે નવા નિશાળિયાઓનો પડકાર; ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન રમાશે કાંટે કી ટક્કર

લખનઉ: ભારતીય ઘરેલું ક્રિકેટના સૌથી મોટા જંગ રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ ના સેમી-ફાઇનલના મંગલાચરણ આજથી થઈ રહ્યા છે. આ વખતે સેમી-ફાઇનલનો જંગ માત્ર જીતવા માટે નથી, પરંતુ ઈતિહાસ બદલવા માટે છે. લખનઉ અને કલ્યાણીના મેદાન પર આજે જ્યારે ખેલાડીઓ ઉતરશે ત્યારે સૌની નજર ઉત્તરાખંડ અને જમ્મુ ઍન્ડ કાશ્મીર પર રહેશે. આ બંને ટીમો રણજી ઈતિહાસમાં પહેલીવાર સેમી-ફાઇનલના આરે પહોંચી છે, અને હવે તેમનો ટાર્ગેટ દિગ્ગજ ટીમોને હરાવીને ફાઇનલની ટિકિટ મેળવવાનો છે.
લખનઉમાં દેવદત્ત પડિક્કલની આગેવાની હેઠળની ૮ વખતની ચૅમ્પિયન કર્ણાટક સામે કુણાલ ચંદેલાની ઉત્તરાખંડની ટીમ ટકરાશે. કર્ણાટકનો દબદબો વર્ષોથી રહ્યો છે, પરંતુ ઉત્તરાખંડ જે રીતે આ સીઝનમાં રમી રહ્યું છે તે જોતા કોઈ મોટા અપસેટની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી તરફ, કલ્યાણીમાં અભિમન્યુ ઈશ્વરનની મજબૂત બંગાળ સામે પારસ ડોગરાની જમ્મુ ઍન્ડ કાશ્મીરની ટીમ મેદાને પડશે. J&K ની ટીમે આ સીઝનમાં જે લડાયક મિજાજ બતાવ્યો છે, તેનાથી બંગાળની છાવણીમાં પણ ચિંતાના વાદળો છે.
આગામી પાંચ દિવસ એટલે કે ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન સવારે ૯ વાગ્યાથી શરૂ થનારી આ મેચો ઘરેલું ક્રિકેટના નવા સ્ટાર્સ આપશે. શું ૮ ટ્રોફી જીતનાર કર્ણાટક અને ભૂતપૂર્વ ચૅમ્પિયન બંગાળ પોતાનો દબદબો જાળવી રાખશે? કે પછી પહેલીવાર અંતિમ ચારમાં પહોંચેલા 'અંડરડોગ્સ' સદીઓ સુધી યાદ રહે તેવો ચમત્કાર કરશે? ક્રિકેટ ચાહકો આ બેહદ રસાકસીભર્યા જંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
