<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

'યુવરાજ'ની તોફાની ઇનિંગ :કેનેડા તરફથી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ઇતિહાસ રચ્યો

યુવરાજ સમરાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા માત્ર 58 બોલમાં પોતાની સદી નોંધાવી :ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા

T20 વર્લ્ડ કપ 2026 ની 31મી મેચમાં કેનેડાના ઓપનિંગ બેટ્સમેન યુવરાજ સમરાએ ન્યુઝીલેન્ડ સામે આક્રમક બેટિંગ કરી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. સમરાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા માત્ર 58 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. આ સાથે જ તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં કેનેડા તરફથી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કેનેડા માટે સાચો સાબિત થયો. ઓપનર યુવરાજ સમરા અને કેપ્ટન દિલપ્રીત બાજવા (36 રન) એ પ્રથમ વિકેટ માટે 84 બોલમાં 116 રનની મજબૂત ભાગીદારી કરી ટીમને વિશાળ સ્કોર તરફ દોર્યો. સમરાએ પોતાની ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. તેણે પ્રથમ 36 બોલમાં અડધી સદી પૂરી કર્યા બાદ વધુ આક્રમક વલણ અપનાવી તેને સદીમાં ફેરવી છે.

 

યુવરાજ સમરાએ વર્ષ 2025 માં નામિબિયા સામે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ખૂબ જ ટૂંકા ગાળામાં તેણે પોતાની પ્રતિભા સાબિત કરી છે.

કુલ મેચ: 19 ,કુલ રન: 550 થી વધુ, સરેરાશ: 38 થી વધુ , સ્ટ્રાઈક રેટ: 161 થી વધુ

આ સદી સમરાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને વર્લ્ડ કપની પણ પ્રથમ સદી છે. તેની આ શાનદાર ઇનિંગને કારણે કેનેડાએ મજબૂત ગણાતી ન્યુઝીલેન્ડની ટીમ સામે એક પડકારજનક સ્કોર ઉભો કર્યો છે.

(1:00 PM IST)