તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 17th February 2026
કાંગારુઓનું કામ તમામ: T20 વર્લ્ડ કપમાંથી ઓસ્ટ્રેલિયાની શરમજનક વિદાય: ઝિમ્બાબ્વેએ રચ્યો ઈતિહાસ!
વરસાદે ફેરવ્યું ઓસ્ટ્રેલિયાના નસીબ પર પાણી: ઝિમ્બાબ્વે-આયર્લેન્ડ મેચ રદ થતા જ કાંગારુઓ ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ બહાર : ૨૦૦૯ પછીનું સૌથી નબળું પ્રદર્શન

પલ્લેકેલે: ક્રિકેટ જગતમાં આજે એક મોટો ભૂકંપ આવ્યો છે. ૨૦૨૧ની ચેમ્પિયન અને ક્રિકેટની મહાસત્તા ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના પહેલા જ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. મંગળવારે પલ્લેકેલેમાં રમાનારી ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ થતા બંને ટીમોને ૧-૧ પોઈન્ટ વહેંચવામાં આવ્યો હતો. આ એક પોઈન્ટ સાથે ઝિમ્બાબ્વે ગ્રુપ B માંથી સુપર-૮માં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઈન્દ્રદેવ જાણે ઓસ્ટ્રેલિયાથી નારાજ હોય તેમ, કેન્ડીના ખરાબ હવામાને કાંગારુઓના રહ્યા-સહ્યા સપનાઓને પણ ધોઈ નાખ્યા છે.
ઓસ્ટ્રેલિયા માટે આ ટુર્નામેન્ટ કોઈ દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. ઝિમ્બાબ્વે સામેની આઘાતજનક હાર બાદ શ્રીલંકા સામેની કારમી હાર ઓસ્ટ્રેલિયાને ઘણી મોંઘી પડી. ૨૦૦૯ પછી આ પહેલીવાર છે જ્યારે ઓસ્ટ્રેલિયા સુપર-૮માં પણ પહોંચી શક્યું નથી. ગ્રાઉન્ડ સ્ટાફની તમામ મહેનત છતાં આકાશમાં કાળા વાદળોએ ડેરો જમાવી રાખ્યો હતો અને સાંજે ૫:૩૦ વાગ્યે સત્તાવાર રીતે મેચ રદ જાહેર થતા જ ઓસ્ટ્રેલિયન કેમ્પમાં સન્નાટો છવાઈ ગયો હતો. સતત ત્રીજા T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી ન પહોંચી શકવું એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના પતનનો સંકેત આપી રહ્યું છે.
બીજી તરફ, આ આખા અપસેટનો અસલી હીરો ઝિમ્બાબ્વે સાબિત થયું છે. પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર ઝિમ્બાબ્વે વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં પ્રવેશ્યું છે. ૧૯૯૯ના વનડે વર્લ્ડ કપમાં પાંચમા સ્થાને રહ્યા બાદ આ તેમની સૌથી મોટી સિદ્ધિ છે. ઝિમ્બાબ્વેના ખેલાડીઓ અને ચાહકો માટે આ દિવાળી જેવો માહોલ છે, કારણ કે તેમણે ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમને હરાવીને બહાર કરી છે. હવે સુપર-૮માં ઝિમ્બાબ્વે અને શ્રીલંકાની ટીમો અન્ય દિગ્ગજો સામે ટકરાશે, જ્યારે પાંચ વખતની વનડે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ખાલી હાથે ઘરે પરત ફરવું પડશે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
