<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

પ્રોટીઝ છાવણીમાં ફફડાટ: બુમરાહ તો ઠીક, પણ વરુણ ચક્રવર્તીના 'માયાવી' સ્પિનથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોના પગ ધ્રૂજ્યા!

ડી કોકે સ્વીકાર્યું વરુણનું વર્ચસ્વ; શું 'મિસ્ટ્રી સ્પિનર' ફરી એકવાર આફ્રિકાના ગઢમાં મચાવશે ભયાનક તબાહી?

જોહાનિસબર્ગ: ક્રિકેટના મેદાનમાં જ્યારે જસપ્રીત બુમરાહ જેવા ઘાતક બોલરનો સામનો કરવાનો હોય ત્યારે દુનિયાના કોઈ પણ બેટ્સમેનનું ટેન્શન વધી જાય તે સ્વાભાવિક છે. પરંતુ, અત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે સૌથી મોટો 'વિલન' બુમરાહ નહીં, પણ ભારતનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી બની ગયો છે. આફ્રિકન બેટ્સમેનો માટે વરુણની બોલિંગ એક એવો વણઉકેલ્યો કોયડો છે, જેણે તેમના મોટા-મોટા ધુરંધરોની ઊંઘ હરામ કરી દીધી છે. ખુદ વરિષ્ઠ ખેલાડી ક્વિન્ટન ડી કોકે પણ સ્વીકાર્યું છે કે તેમની યુવા બ્રિગેડ માટે આ ભારતીય સ્પિનરનો સામનો કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

આંકડા જોઈએ તો વરુણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકા માટે ખરેખર 'કાળ' સાબિત થયો છે. છેલ્લી 8 ટી-20 મેચોમાં તેણે કુલ 22 વિકેટો ખેરવીને આફ્રિકન બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી છે. ખાસ કરીને ડિસેમ્બરની શ્રેણીમાં તેણે જે રીતે 10 વિકેટ ઝડપી હતી, તેનાથી આફ્રિકન ટીમ હજુ પણ આઘાતમાં છે. સુપર-8ના હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા ડી કોકે હથિયાર હેઠા મૂકતા હોય તેમ જણાવ્યું કે, "વરુણ અદભૂત બોલર છે, અમે તેનું હોમવર્ક કર્યું છે પણ મેદાન પર તેની 'મિસ્ટ્રી' ઉકેલવી અત્યંત કઠિન છે. અમારા ખેલાડીઓએ કુદરતી રમત બતાવવી પડશે."

બીજી તરફ, ભારતનો યુવા સ્ટાર અભિષેક શર્મા ભલે અત્યારે ફોર્મમાં નથી, પણ આફ્રિકન કેપ્ટન એડન માર્કરામ અને ડી કોક તેને 'વર્લ્ડ નંબર વન' બેટ્સમેન ગણાવી રહ્યા છે. તેમને ડર છે કે ફોર્મમાં ન હોવા છતાં અભિષેક જે દિવસે ચાલશે, તે દિવસે આખી આફ્રિકન ટીમ માટે મેચ બચાવવી મુશ્કેલ બની જશે. સૂર્યકુમાર યાદવની સેનામાં બુમરાહ, સિરાજ અને અર્શદીપની તીવ્ર ગતિ અને વરુણ-કુલદીપના માયાવી સ્પિનનું જે મિશ્રણ છે, તે આફ્રિકાના પ્રવાસમાં ભારત માટે વિજયનું સરનામું બની શકે છે.

(11:00 AM IST)