તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
બંગલાદેશી ક્રિકેટરો માટે કાળજું કંપાવનારો ખુલાસો: વર્લ્ડ કપમાં રમવાની તક છીનવાતા બે ખેલાડીઓ પહોંચ્યા 'મેન્ટલ કોમા'માં
વચગાળાની સરકારની મનમાનીએ ૨૭ વર્ષનું સપનું ચકનાચૂર કર્યું, સહાયક કોચ મોહમ્મદ સલાહુદ્દીને વ્યક્ત કરી પીડા: ઓમાન અને ઇટલીના ખેલાડીઓના પ્રદર્શનની પણ ચર્ચા

નવી દિલ્હી / ઢાકા: T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર ફેંકાઈ ગયા બાદ બંગલાદેશી ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બંગલાદેશની સિનિયર મેન્સ ટીમના સહાયક કોચ મોહમ્મદ સલાહુદ્દીને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, દેશમાં વચગાળાની સરકારની મનમાની અને વિવાદોને કારણે ટુર્નામેન્ટમાં રમવાની તક ગુમાવનારા બે ખેલાડીઓ એટલા મોટા આઘાતમાં સરી પડ્યા હતા કે તેઓ પાંચ દિવસ સુધી 'મેન્ટલ કોમા' જેવી સ્થિતિમાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંગલાદેશને સ્થાને આ વખતે સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જેની સીધી અસર ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડી છે. સલાહુદ્દીને નામ આપ્યા વિના કહ્યું કે, જ્યારે કોઈ ખેલાડી ૨૭ વર્ષનું સપનું લઈને મેદાનમાં ઉતરે અને ક્ષણભરમાં તે તોડી નાખવામાં આવે ત્યારે આવી ગંભીર સ્થિતિ સર્જાય છે.
ઓમાનનું કંગાળ પ્રદર્શન અને શરમજનક રેકોર્ડ વર્તમાન વર્લ્ડ કપની ૨૦ ટીમોમાં ઓમાનનું પ્રદર્શન સૌથી નબળું સાબિત થયું છે. ભારતીય મૂળના જતિન્દર સિંહના નેતૃત્વમાં ઓમાન એક પણ મેચ જીતી શક્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે, ઓમાનના બોલિંગ યુનિટની એવરેજ ૫૫.૩૩ અને ઇકોનોમી રેટ ૧૦.૫૩ જેવો અત્યંત ખરાબ રહ્યો છે. એટલું જ નહીં, ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીમાં ઓમાન સતત ૧૦ મેચ હાર્યું છે, જેની સાથે તેમણે ૨૦૦૭ અને ૨૦૧૨માં બંગલાદેશ દ્વારા નોંધાયેલા સતત ૧૦ મેચ હારવાના શરમજનક રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ઇટલીના બેન મેનેન્ટીનો 'હનુમાનકૂદકો' અને અસોસિએટ દેશોની ધમાલ રમત જગત માટે એક સુખદ સમાચાર ઇટલીના ઓલરાઉન્ડર બેન મેનેન્ટી તરફથી આવ્યા છે. તેણે ICC T20 ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ૧૬૦ સ્થાનની છલાંગ લગાવીને સીધો ૨૦મો ક્રમ હાંસલ કર્યો છે. ૧૧ ફેબ્રુઆરીએ ૧૮૦મા સ્થાને રહેલો મેનેન્ટી હવે ટોપ ૨૦માં સામેલ છે. બીજી તરફ, અસોસિએટ દેશો જેવી કે નેપાળ, અમેરિકા અને સ્કોટલેન્ડની ટીમોએ પોતાની ફાઇટિંગ સ્પિરિટથી ટુર્નામેન્ટની ચમક વધારી છે. આ વર્લ્ડ કપમાં અસોસિએટ દેશોના ખેલાડીઓએ ૨૩ વાર ૫૦ પ્લસ સ્કોર કર્યો છે, જ્યારે કેનેડાના યુવરાજ સામરાએ ૧૧૦ રન સાથે વ્યક્તિગત હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. અમેરિકાના પેસ બોલર શેડ્લી વેન શાલ્કવિકે ૧૩ વિકેટ ઝડપીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
