<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

કાંગારૂઓના ગઢમાં ભારતનો લલકાર: 'વિમેન ઇન બ્લુ'એ ૧૦ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ધૂળ ચટાડી

એડિલેડમાં સ્મૃતિ-જેમિમાની રેકોર્ડબ્રેક ભાગીદારી અને શ્રેયન્કાની ધારદાર બોલિંગથી ટીમ ઈન્ડિયાએ ૨-૧થી સીરીઝ કબજે કરી ઐતિહાસિક જીત મેળવી

એડિલેડ / નવી દિલ્હી: હરમનપ્રીત કૌરની સેનાએ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ક્રિકેટ જગતમાં મોટો ઉલટફેર સર્જી દીધો છે. એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલી શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૭ રને પછાડીને ૩ મેચની સીરીઝ ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૧૭૬ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જે એડિલેડના મેદાન પર વિમેન્સ T20 ઇન્ટરનેશનલનો અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. જવાબમાં મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમ ૯ વિકેટે ૧૫૯ રન જ બનાવી શકી હતી. આ જીત એટલા માટે ખાસ છે કારણ કે ભારતે ૧૦ વર્ષના લાંબા અંતરાલ બાદ ઓસ્ટ્રેલિયાને તેના જ દેશમાં સીરીઝમાં હરાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં ભારતે આ પરાક્રમ કર્યું હતું.
ભારતની જીતનો પાયો ઓપનર સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સે નાખ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે ૧૨૧ રનની શાનદાર ભાગીદારી કરી હતી, જે ભારત માટે આ પોઝિશન પર પ્રથમ ૧૦૦+ રનની ભાગીદારી છે. સ્મૃતિ માન્ધનાએ ૫૫ બોલમાં ૮૨ રન (૮ ફોર, ૩ સિક્સ) ફટકારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ સાથે જ સ્મૃતિએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦મી વખત ૫૦થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સામે પક્ષે જેમિમાએ પણ ૪૬ બોલમાં ૫૯ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
૧૭૭ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ભારતીય સ્પિનરોએ હંફાવી દીધી હતી. ખાસ કરીને શ્રેયન્કા પાટીલે માત્ર ૨૨ રન આપીને ૩ મહત્વની વિકેટો ઝડપી હતી, જ્યારે શ્રી ચરણીએ પણ ૩૨ રન આપી ૩ શિકાર કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લી ગાર્ડનરે ૫૭ રનની લડાયક ઇનિંગ રમીને મેચને અંત સુધી જીવંત રાખી હતી, પરંતુ અરુંધતી રેડ્ડી અને રેણુકા સિંહની શિસ્તબદ્ધ બોલિંગ સામે યજમાન ટીમ ટૂંકી પડી હતી. ૨૦૧૭ પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયા પોતાના ઘરઆંગણે કોઈ પણ ફોર્મેટની સીરીઝ હાર્યું છે, જે ભારતીય ટીમની તાકાતનો પરચો આપે છે.

(11:58 AM IST)