તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હાસ્યની છોળો: ઝીરોની હેટ્રિક કરનાર અભિષેક શર્મા બન્યો મોટિવેશનલ સ્પીકર, ઈશાન કિશન હસી-હસીને લોથપોથ
સાઉથ આફ્રિકા સામેની સુપર-8 મેચ પહેલા અભિષેક શર્માની 'જો બોલે સો નિહાલ' સ્પીચ વાયરલ: ખરાબ ફોર્મ છતાં કેપ્ટન સૂર્યાએ યુવા ઓપનર પર વ્યક્ત કર્યો અતૂટ વિશ્વાસ

મુંબઈ / સેન્ટ લુસિયા: T20 વર્લ્ડ કપ 2026 માં સાઉથ આફ્રિકા સામેના હાઈ-વોલ્ટેજ સુપર-8 મુકાબલા પહેલા ભારતીય કેમ્પમાં એક અત્યંત રમુજી કિસ્સો જોવા મળ્યો છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા અને સતત ત્રણ મેચમાં 'શૂન્ય' રને આઉટ થઈને હેટ્રિક નોંધાવનાર ઓપનર અભિષેક શર્માને કેપ્ટન સૂર્યકુમાર યાદવે અચાનક ટીમને મોટિવેટ કરવાની જવાબદારી સોંપી દીધી હતી. જ્યારે આઉટ ઓફ ફોર્મ અભિષેક ગંભીર થઈને ટીમને જીતનો મંત્ર આપી રહ્યો હતો, ત્યારે બાજુમાં ઉભેલો તેનો સાથી ઓપનર ઈશાન કિશન પોતાનું હસવાનું માંડ-માંડ રોકી શક્યો હતો. અભિષેકની સ્પીચ અને ઈશાનના રિએક્શનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
અભિષેક શર્માએ આત્મવિશ્વાસ સાથે ટીમને સંબોધતા કહ્યું કે, "અત્યાર સુધી આપણે ચેમ્પિયનની જેમ રમ્યા છીએ અને આ જ લય જાળવી રાખવાની છે. આપણે મેદાન પર એકબીજાના પ્રદર્શનનો આનંદ લેવાનો છે અને આપણી એનર્જી જ આપણી તાકાત છે." સ્પીચના અંતે જ્યારે અભિષેકે પંજાબી અંદાજમાં 'જો બોલે સો નિહાલ... સત શ્રી અકાલ'નો નારો લગાવ્યો ત્યારે ડ્રેસિંગ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ પણ આ યુવા ખેલાડીની હિંમત જોઈને સ્મિત રોકી શક્યા નહોતા.
જોકે, અભિષેક શર્માના ફોર્મ પર સવાલો ઉઠાવનારાઓને કેપ્ટન સૂર્યકુમાર યાદવે જડબાતોડ જવાબ આપ્યો છે. સૂર્યાએ જણાવ્યું હતું કે, "અભિષેકે ભલે હજી એક પણ રન નથી કર્યો, પણ જે લોકો તેના ફોર્મ વિશે ચિંતિત છે તેમની મને ચિંતા છે. હું તો એ વિચારી રહ્યો છું કે જ્યારે આ ખેલાડી લયમાં આવશે ત્યારે હરીફ બોલરોના શું હાલ થશે!" કેપ્ટનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ અભિષેકની આક્રમક બેટિંગ પર પૂરો ભરોસો રાખી રહ્યું છે અને આગામી મહત્વની મેચોમાં તે મોટો ધડાકો કરી શકે છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
