તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 76 રને કારમો પરાજય :188 રનના લક્ષ્યાંક સામે માત્ર 111 રનમાં ઓલઆઉટ
કેશવ મહારાજે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી ભારતને પછાડ્યું: ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસ વચ્ચે 97 રનની મજબૂત ભાગીદારી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ 2026ના સુપર-8 મુકાબલામાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 76 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 90 હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી આ મેચમાં ભારતની બેટિંગ લાઈનઅપ પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ પરાજય સાથે જ ભારતનો નેટ રન રેટ પણ પ્રભાવિત થયો છે, જે સેમીફાઈનલની રેસમાં અવરોધ બની શકે છે.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહએ શરૂઆતમાં જ ઘાતક બોલિંગ કરી ક્વિન્ટન ડી કોક અને રાયન રિકલટનની વિકેટ ઝડપી હતી. જોકે, ત્યારબાદ ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસ વચ્ચે 97 રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી. મિલરે 35 બોલમાં 63 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેના કારણે આફ્રિકાએ 20 ઓવરમાં 187 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.
188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ઈશાન કિશન પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે બીજી ઓવરમાં તિલક વર્મા પણ આઉટ થતા ભારત દબાણમાં આવી ગયું હતું. અભિષેક શર્માએ 15 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવએ 18 રન બનાવી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માર્કો જેન્સેનની સ્પીડ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહીં.
મેચનો સૌથી મોટો વળાંક 15મી ઓવરમાં આવ્યો જ્યારે સ્પિનર કેશવ મહારાજએ તરખાટ મચાવ્યો હતો. મહારાજે એક જ ઓવરમાં હાર્દિક પંડ્યા (18), રિંકુ સિંહ (0) અને અર્શદીપ સિંહની વિકેટ ઝડપીને ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. ભારતની આખી ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વિજય સાથે દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલ તરફ મજબૂત ડગલું માંડ્યું છે, જ્યારે હવે ભારતે આગળની મેચોમાં મોટા અંતરથી જીતવું અનિવાર્ય બન્યું છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
