<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ગણતરી ઉંધી પડી : યુવા બ્રિગેડના પ્રયોગો વેડફાયા

ભારતે હવે ગુરૂવારે ઝિમ્‍બાબ્‍વે સામે અને રવિવારે વેસ્‍ટઇન્‍ડિઝ સામેના મેચો જીતવા જ પડશે અભિષેક ફરી ફેઇલ, અક્ષરની ખોટ દેખાણી, બોલીંગ અને બેટીંગમાં નમાલુ પ્રદર્શન

નવી દિલ્‍હી : અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચેની સુપર-૮ મેચમાં ટીમ ઈન્‍ડિયાનો શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા ૧૮૮ રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ૭૬ રને મેચ ગુમાવી હતી. આ સાથે ભારતે સુપર-૮માં પોતાની ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. આ હાર સાથે ભારતનું નેટ રન રેટ પણ બગડ્‍યું છે, જે સેમીફાઈનલની આશા માટે મોટો ફટકો સામાન છે.

દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર ૨૦ રનના સ્‍કોર પર તેમના ત્રણ ટોપ ઓર્ડર બેટ્‍સમેન આઉટ થઈ ગયા હતા. જોકે, ભારતીય બોલરો આ દબાણ જાળવી શકયા નહીં અને ડેવિડ મિલર તથા ડેવાલ્‍ડ બ્રેવિસે ૯૭ રનની ભાગીદારી કરીને બધું દબાણ હટાવી દીધું હતું.

ભારતીય સ્‍પિનરો સંપૂર્ણપણે નિષ્‍ફળ સાબિત થયા હતા. વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં ૪૭ રન આપ્‍યા હતા, જ્‍યારે વોશિંગ્‍ટન સુંદરે ૨ ઓવરમાં ૧૭ રન ખર્ચ્‍યા હતા. હાર્દિક પંડ્‍યાએ છેલ્લી ઓવરમાં ૨૦ રન આપ્‍યા હતા, જેના કારણે ૧૭૫ રન સુધી રોકાઈ શકે તેવી ટીમનો સ્‍કોર ૧૮૭ રન સુધી પહોંચી ગયો હતો.

બેટિંગમાં પણ ભારતની શરૂઆત અત્‍યંત નબળી રહી હતી. ઈશાન કિશન ખાતું ખોલાવ્‍યા વિના અને તિલક વર્મા પણ સસ્‍તામાં આઉટ થયો હતો. યુવા બેટર અભિષેક શર્મા પાસે મોટી આશા હતી, પરંતુ તે પણ માત્ર ૧૫ રન બનાવી શકયો હતો. પિચની સ્‍થિતિ સમજવાને બદલે ભારતીય બેટ્‍સમેનો પ્રથમ બોલથી જ મોટા શોટ મારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠા હતા.

આ મેચમાં અનુભવી અક્ષર પટેલની જગ્‍યાએ વોશિંગ્‍ટન સુંદરને રમાડવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. સુંદર બેટિંગ અને બોલિંગ બંનેમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકયો નહોતો. અક્ષર પટેલ જે રીતે ત્રણેય ક્ષેત્રમાં (બેટિંગ, બોલિંગ અને ફિલ્‍ડિંગ) પ્રભાવિત કરે છે, તેની ખોટ આ મેચમાં સ્‍પષ્ટપણે વર્તાઈ હતી.

ભારત તરફથી સૌથી વધુ જસપ્રીત બુમરાહે ત્રણ, અર્શદીપ સિંહે બે, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ ખેરવી હતી. સૌથી વધુ દુબેએ બે ઓવરમાં ૩૨ રન આપ્‍યા હતા, તો હાર્દિક પંડ્‍યાએ ચાર ઓવરમાં ૪૫ રન આપ્‍યા હતા.

ટીમ ઈન્‍ડિયાના ટોપ-૩ બેટ્‍સમેનો સસ્‍તામાં આઉટ થયા બાદ વિકેટ પડવાનો સિલસિલો યથાવત્‌ રહ્યો હતો. ટોપ-૩ બેટરોમાં ઈશાન કિશન શૂન્‍ય રને, અભિષેક શર્મા ૧૫ રને તો તિલક વર્મા માત્ર એક રને આઉટ થયો હતો. ત્‍યારબાદ સુકાની સૂર્યકુમાર યાદવ ૧૮ રને, વોશિંગ્‍ટન સુંદર ૧૧ રને, શિવમ દુબે ૪૨ રને, હાર્દિ પંડ્‍યા ૧૮ રને, રિંકુ સિંઘ ૦ રને, અર્શદિપ સિંહ ૧, વરૂણ ચક્રવર્તી અણનમ શૂન્‍ય અને જસપ્રિત બુમરાહ શૂન્‍ય રને આઉટ થયો હતો.

(1:57 PM IST)