હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય કુસ્તીનો નવો 'સુલતાન': સુજીત કલ્કલે અઝરબૈજાનના મલ્લને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ, વૈશ્વિક ફલક પર ત્રિરંગો લહેરાવ્યો
મુહમ્મત માલો રેન્કિંગ સિરીઝમાં સુજીતનો દબદબો: સેમિફાઇનલમાં અમેરિકન ચેમ્પિયનને પછાડ્યો અને ફાઇનલમાં ૧૦-૦ થી મેળવી એકતરફી ઐતિહાસિક જીત

નવી દિલ્હી: તા.૨૭: ભારતીય કુસ્તીમાં ફરી એકવાર સુવર્ણ યુગના મંડાણ થયા હોય તેવા દ્રશ્યો આંતરરાષ્ટ્રીય મેટ પર જોવા મળ્યા છે. અંડર-23 વર્લ્ડ ચેમ્પિયન અને ભારતના તેજસ્વી કુસ્તીબાજ સુજીત કલ્કલે ૨૦૨૬ની 'મુહમ્મત માલો' રેસલિંગ ટુર્નામેન્ટમાં પોતાની તાકાત અને ટેકનિકનો પરચો બતાવી ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. પુરુષોની ૬૫ કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં રમનાર સુજીતે આખી ટુર્નામેન્ટ દરમિયાન વિરોધીઓને હંફાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
ફાઇનલમાં અઝરબૈજાનના કુસ્તીબાજને પછાડ્યો
ટુર્નામેન્ટની સૌથી રોમાંચક ક્ષણ ફાઇનલ મેચ હતી, જ્યાં સુજીતનો મુકાબલો અઝરબૈજાનના ખતરનાક કુસ્તીબાજ રાશિદ બાબાઝાદે સાથે હતો. જોકે, સુજીતની સ્ફૂર્તિ સામે રાશિદ લાચાર જણાતો હતો. સુજીતે અદભૂત દાવપેચ અજમાવીને રાશિદને ૧૦-૦ થી હરાવી દીધો હતો. સ્કોરબોર્ડ પરની આ જીત બતાવે છે કે સુજીત અત્યારે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે.
સેમિફાઇનલમાં અમેરિકન દિગ્ગજને આપી મ્હાત
સુજીતની ગોલ્ડ સુધીની સફર જરાય આસાન નહોતી. સેમિફાઇનલમાં તેનો સામનો યુનાઇટેડ સ્ટેટ્સના જોસેફ મેકકેના સાથે થયો હતો, જે બે વખતના પાન અમેરિકન ચેમ્પિયન રહી ચૂક્યા છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં સુજીતે ૧૧-૦ થી શાનદાર વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં જ્યોર્જિયાના નીકા જખાશવિલીને ૧૦-૦ થી અને શરૂઆતી મેચમાં અલ્બેનિયાના એન્ડ્રીયો અવદાલીને ૧૬-૪ થી પછાડીને તેણે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
કુસ્તી જગતમાં ભારતનો વધતો પ્રભાવ
માત્ર ૨૩ વર્ષની વયે સુજીત કલ્કલે જે રીતે વિશ્વના ટોચના કુસ્તીબાજોને એકતરફી મેચોમાં હરાવ્યા છે, તે જોતા આગામી ઓલિમ્પિકમાં તેની પાસે મેડલની પ્રબળ આશા સેવાઈ રહી છે. તેની આ જીતથી દેશના રમતપ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સોશિયલ મીડિયા પર ખેલ મંત્રીથી લઈને દિગ્ગજ ખેલાડીઓ સુજીતને અભિનંદન પાઠવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
