<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રણજી ટ્રોફીમાં આકિબ નબીનું રૌદ્ર સ્વરૂપ: કર્ણાટકની બેટિંગ લાઇન-અપના કૂરચા બોલાવી સાતમી વખત ઝડપી ૫ વિકેટ, જમ્મુ-કાશ્મીર ઇતિહાસ રચવાને આરે

દિલ્હી કેપિટલ્સના ૮.૪૦ કરોડના આ હીરોએ મચાવી તબાહી: સૌરવ ગાંગુલીએ આકિબને ટીમ ઇન્ડિયાનો ભાવિ સ્ટાર ગણાવ્યો, કહ્યું- "તેણે આ ઉનાળામાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવું જોઈએ"

હુબલી (કર્ણાટક): તા.૨૭: ભારતીય ઘરેલું ક્રિકેટના સૌથી મોટા મંચ રણજી ટ્રોફીની ફાઇનલમાં આજે એક નવો ઇતિહાસ લખાતો જોવા મળ્યો છે. જમ્મુ અને કાશ્મીરના ઘાતક ફાસ્ટ બોલર આકિબ નબીએ પોતાની આગવી બોલિંગથી કર્ણાટક જેવી મજબૂત ટીમને હંફાવી દીધી છે. આકિબની ધારદાર પેસ અને સચોટ લાઇન-લેન્થ સામે કર્ણાટકનો મધ્યક્રમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. આ પ્રદર્શન સાથે જ આકિબ નબીએ ભારતીય પસંદગીકારોના દરવાજા જોરશોરથી ખખડાવ્યા છે.

૬૦ વિકેટ સાથે સિઝનનો ટોપ બોલર

આકિબ નબીએ રણજી ફાઇનલમાં ૨૩ ઓવરમાં માત્ર ૫૪ રન આપીને ૫ મહત્વની વિકેટ ઝડપી હતી. આ તેના કરિયરની સાતમી 'ફાઇફર' (એક ઇનિંગમાં ૫ વિકેટ) છે. એટલું જ નહીં, આ સિઝનમાં તે ૬૦ વિકેટ ઝડપીને રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેના આ પ્રદર્શનને કારણે જમ્મુ-કાશ્મીરે પ્રથમ ઇનિંગમાં ૨૯૧ રનની વિશાળ લીડ મેળવીને પોતાના પ્રથમ રણજી ખિતાબ તરફ મક્કમ ડગ માંડ્યા છે.

IPL માં દિલ્હી કેપિટલ્સની કરોડપતિ શોધ

આકિબની સફળતા માત્ર રણજી ટ્રોફી પૂરતી સીમિત નથી. ગત ડિસેમ્બરમાં યોજાયેલી IPL હરાજીમાં દિલ્હી કેપિટલ્સે આ યુવા બોલર પર ભરોસો મૂકીને ₹૮.૪૦ કરોડની તોતિંગ રકમ ખર્ચી તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે આગામી IPL સીઝનમાં તે મિશેલ સ્ટાર્ક જેવા દિગ્ગજ બોલરો સાથે દિલ્હીની પેસ એટેક સંભાળતો જોવા મળશે.

સૌરવ ગાંગુલીની મોટી ભવિષ્યવાણી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના મેન્ટર સૌરવ ગાંગુલી આકિબના પ્રદર્શનથી અત્યંત પ્રભાવિત થયા છે. ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, "જમ્મુ અને કાશ્મીરે દુનિયાને બતાવ્યું છે કે દૃઢ નિશ્ચય શું કરી શકે છે. આકિબ નબી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે પૂરેપૂરો તૈયાર છે. મારો મત છે કે તેણે આ વર્ષે જુલાઈમાં ઇંગ્લેન્ડ સામેની સફેદ બોલની શ્રેણીમાં ભારત માટે ડેબ્યૂ કરવું જ જોઈએ."

ઇતિહાસ રચશે જમ્મુ-કાશ્મીર?

મેચની સ્થિતિ જોતા જમ્મુ-કાશ્મીરની ટીમ અત્યારે મજબૂત સ્થિતિમાં છે. જો આ મેચ ડ્રો પણ રહે, તો પ્રથમ ઇનિંગની લીડના આધારે જમ્મુ-કાશ્મીર રણજી ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બનશે. આકિબ નબીની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે પ્રતિભા ગમે તેવા કઠિન વાતાવરણમાંથી પણ ઉભરી શકે છે.

(4:21 PM IST)