News of Saturday, 28th February 2026
ઈડન ગાર્ડન્સમાં રવિવારે 'કરો યા મરો': સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો મોટો પડકાર, શું સૂર્યાની સેના કેરેબિયન પાવરને રોકી શકશે?
ટી20માં ભારતનો દબદબો પણ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પલ્લું ભારે: અભિષેક શર્માના ફોર્મ અને સ્પિનરોના જાદુ પર ભારતની આશા, જાણો કોલકાતાની પિચનો મિજાજ

કોલકાતા:ટી20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. રવિવારે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જંગ જામશે. ભારત માટે આ મેચ 'સેમીફાઈનલની ટિકિટ' સમાન છે. સુપર-8માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતે ઝિમ્બાબ્વેને ૭૨ રને હરાવીને જોરદાર વાપસી કરી છે, પરંતુ નેટ રન રેટ સુધારવા અને અંતિમ ચારમાં સ્થાન પાકું કરવા માટે વેસ્ટ ઈન્ડિઝને હરાવવું અનિવાર્ય છે.
ભારતીય ટીમ માટે સૌથી મોટા ખુશખબર અભિષેક શર્માનું ફોર્મ છે, જેણે ઝિમ્બાબ્વે સામે તોફાની અડધી સદી ફટકારીને વિરોધી છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો છે. હાર્દિક પંડ્યા અને તિલક વર્માની વિસ્ફોટક બેટિંગ મધ્યમ ક્રમને મજબૂત બનાવી રહી છે. બોલિંગમાં અર્શદીપ સિંહની સ્વિંગ અને વરુણ ચક્રવર્તીની રહસ્યમય સ્પિન વેસ્ટ ઈન્ડિઝના પાવર-હિટર્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ પણ દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ વળતો પ્રહાર કરવા માટે તલપાપડ છે.
આંકડા શું કહે છે? (IND vs WI T20 Stats): ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી કુલ ૩૦ ટી20 મેચો રમાઈ છે, જેમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે.
વિગત ભારત વેસ્ટ ઈન્ડિઝ
કુલ મેચો ૧૯ જીત ૧૦ જીત
ટી20 વર્લ્ડ કપમાં ૦૧ જીત ૦૩ જીત
પરિણામ વગરની - ૦૧ મેચ
આંકડા સ્પષ્ટ કરે છે કે દ્વિપક્ષીય શ્રેણીમાં ભારત ભલે મજબૂત હોય, પરંતુ વર્લ્ડ કપના મંચ પર કેરેબિયન ટીમ ભારત પર ભારે પડી છે. છેલ્લી ૪ વર્લ્ડ કપ મેચોમાંથી વેસ્ટ ઈન્ડિઝે ૩ માં વિજય મેળવ્યો છે, જે ભારતીય છાવણી માટે ચિંતાનો વિષય છે.
કોલકાતાની પિચ બેટર્સ માટે સ્વર્ગ સમાન છે, જ્યાં પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર ૧૬૧ રન છે. શરૂઆતમાં પેસર્સને મદદ મળ્યા બાદ અહીં સ્પિનરો રમત પલટી શકે છે. હવામાનની વાત કરીએ તો રવિવારે આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી, જેથી ક્રિકેટ પ્રેમીઓને ૪૦ ઓવરનો રોમાંચક જંગ જોવા મળશે. ભારત માટે આ મેચ માત્ર જીતવાની જ નથી, પણ મોટા અંતરથી જીતીને પોતાની સેમીફાઈનલની દાવેદારી મજબૂત કરવાની છે
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
