તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
કાંગારૂઓ સામે ભારતની 'વર્લ્ડ ચેમ્પિયન' આબરૂ ખરડાઈ: ઓસ્ટ્રેલિયાએ હરમનપ્રીતની સેનાને હરાવી વન-ડે સિરીઝ પર જમાવ્યો કબજો
T20માં વિજય બાદ વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો: હોબાર્ટમાં રમાયેલી રોમાંચક મેચમાં જ્યોર્જિયા વોરની તોફાની સદી સામે ભારતીય બોલરો લાચાર; ઓસ્ટ્રેલિયાએ સતત બીજી મેચ જીતી સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી ભારતને લપડાક આપી.

હોબાર્ટ: ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારી હરમનપ્રીત કૌરની ભારતીય મહિલા ટીમ વન-ડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે સાવ ફિક્કી સાબિત થઈ રહી છે. હોબાર્ટના મેદાન પર રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૫ વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝ ૨-૦થી કબજે કરી લીધી છે. આ હાર સાથે જ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય સિરીઝ જીતવાનો ઈંતજાર વધુ લંબાયો છે. વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરેલી ભારતીય ટીમ માટે આ પરાજય મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે કાંગારૂ ટીમે માત્ર ૩૬.૧ ઓવરમાં જ લક્ષ્યાંક આંબી લઈને ભારતીય બોલિંગ લાઇનઅપના ધજાગરા ઉડાવી દીધા હતા.
મેચની શરૂઆતમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ઓવરમાં ૨૫૧ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી ઓપનર પ્રતીકા રાવલે ૮૧ બોલમાં ૫૨ રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે ૭૦ બોલમાં ૫૪ રનની અડધી સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં લાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, મધ્યક્રમના બેટરોની નિષ્ફળતા અને ઓસ્ટ્રેલિયન બોલર એશ્લી ગાર્ડનર તથા અલાના કિંગની શિસ્તબદ્ધ બોલિંગ સામે ભારત ૨૫૧ રને અટકી ગયું હતું. ભારતની ઈનિંગમાં ૨૦ વર્ષની ડેબ્યુટન્ટ વૈષ્ણવી શર્માએ અંતિમ ઓવરોમાં ૧૧મા ક્રમે આવીને ૨ ચોગ્ગા સાથે અણનમ ૧૦ રન ફટકારી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
૨૫૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત આક્રમક રહી હતી. અગાઉની મેચમાં શૂન્ય રને આઉટ થયેલી જ્યોર્જિયા વોરે આજે રુદ્ર સ્વરૂપ ધારણ કરીને ભારતીય બોલરો પર આક્રમણ કર્યું હતું. તેણે માત્ર ૮૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૦૧ રનની મેચવિનિંગ સદી ફટકારી હતી. તેને ઓપનર ફિબ લિચફિલ્ડનો પૂરો સાથ મળ્યો હતો, જેણે ૮૦ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલરો રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા; કાશ્વી ગૌતમ અને દીપ્તિ શર્માએ ૨-૨ વિકેટ ઝડપી હોવા છતાં ઓસ્ટ્રેલિયાને વિજય મેળવતા અટકાવી શક્યા નહોતા.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની છેલ્લી ૧૨ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ ન હારવાનો પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતીય છાવણીમાં આ હાર બાદ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ઘરઆંગણે રમાનારા આગામી ટુર્નામેન્ટ પહેલા ટીમનું આવું પ્રદર્શન નબળાઈઓ છતી કરે છે. ૨૦ વર્ષની સ્પિનર વૈષ્ણવી શર્માએ વન-ડેમાં ડેબ્યુ કર્યું પરંતુ તે બોલિંગમાં પ્રભાવ પાડી શકી નહોતી. હવે સિરીઝની અંતિમ મેચ માત્ર ઔપચારિકતા બની રહી છે, જ્યાં ટીમ ઈન્ડિયા પોતાની આબરૂ બચાવવા અને 'ક્લીન સ્વીપ'થી બચવા માટે મેદાનમાં ઉતરશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
