News of Monday, 2nd March 2026
ક્રિઝ પર કમાલ, દોસ્તીમાં મિશાલઃ સંજૂ માટે સૂર્યાનું ખાસ ‘સૂર્ય નમસ્કાર' સેલીબ્રેશન
સંજુ સેમશનની લાજવાબ યાદગાર ઇનિંગઃ ભારત વટભેર સેમીફાઇનલમાં

નવી દિલ્હીઃ ટી-ર૦ વલ્ડકપમાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ભારતે વેસ્ટઇન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું. આ જીતના હીરો સંજુ સેમસન જેમણે ૫૦ બોલમાં નાબાદ ૯૭ રનની ધમાકેદાર ઇનિંગ રમી. મેચ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ એ અનોખી રીતે સૂર્ય નમસ્કાર કરીને સંજૂનું સ્વાગત કર્યું. તેમણે પોતાની ટોપી કાઢીને સંજૂ સામે માથું ઝુકાવ્યું, જે વિજય ક્ષણનું ખાસ આકર્ષણ બન્યું.
ટોસ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે પહેલા બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટઇન્ડિઝે ૨૦ ઓવરમાં ૧૯૫ રન બનાવી ભારત સામે ૧૯૬ રનનો ટાર્ગેટ મુક્યો. બંને ટીમો માટે આ મેચ ક્વાર્ટર ફાઇનલ સમાન હતી, કારણ કે જીતનાર સીધો સેમિફાઇનલ માં પહોંચવાનો હતો. ભારત કોઈ ફેરફાર વિના મેદાનમાં ઉતર્યું અને દબાણભરી પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કર્યું.
૧૯૬ રનના લક્ષ્યનો પીછો કરતા ભારતને સંતુલિત શરૂઆત મળી. સંજૂ સેમસન અને અભિષેક શર્માએ ઝડપી રન બનાવવાનું શરૂ કર્યું, પરંતુ ત્રીજા ઓવરની છેલ્લી બોલ પર અભિષેક ૧૦ રન બનાવી આઉટ થયા. પાંચમા ઓવરમાં ઈશાન કિશન પણ ૧૦ રન બનાવી પેવેલિયન પરત ફર્યા. ૬ ઓવર પછી ભારતનો સ્કોર ૫૩/૨ હતો અને મેચ રોમાંચક વળાંક લઈ રહી હતી.
આ પછી સંજૂ અને સૂર્યકુમારે પારી સંભાળી. બંનેએ જોખમ ટાળીને ક્લાસિક અને આક્રમક શોટ્સ રમ્યા. સંજૂએ માત્ર ૨૬ બોલમાં અર્ધશતક પૂરું કર્યું અને ૧૦ ઓવર સુધી ભારતનો સ્કોર ૯૮/૨ સુધી પહોંચાડ્યો. ૧૧માં ઓવરમાં ૫૮ રનની ભાગીદારી તૂટી, જયારે સૂર્યકુમાર ૧૮ રન બનાવી આઉટ થયા.
ત્યારબાદ તિલક વર્મા સંજૂને મજબૂત સાથ આપ્યો. બંને વચ્ચે ૨૫ બોલમાં ૪૨ રનની ભાગીદારી થઈ. તિલક વર્મા ૨૭ રન ૧૫ બોલમાં બનાવી આઉટ થયા, પરંતુ ત્યાં સુધી ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું.
છેલ્લા ૫ ઓવરમાં ભારતને જીત માટે ૫૦ રનની જરૂર હતી. સંજૂ સાથે હાર્દિક પંડયા ક્રીજ પર હતા. ૧૬મા ઓવરમાં ૧૪ રન આવ્યા અને સમીકરણ ૨૪ બોલમાં ૩૬ રનનું થયું. ૧૭મા ઓવરમાં ૧૧ રન મળતા ૧૮ બોલમાં ૨૫ રનની જરૂર રહી. ૧૮માંઓવરમાં ૮ રન આવ્યા અને છેલ્લાં ૨ ઓવરમાં ૧૭ રનની જરૂર પડી.
૧૯માં ઓવરમાં હાર્દિક પંડ્યા આઉટ થયા ત્યારે ભારતને ૧૦ બોલમાં ૧૭ રનની જરૂર હતી. છતાં ટીમે આ ઓવરમાં ૧૦ રન ઉમેરીને દબાણ દ્યટાડ્યું. છેલ્લાં ઓવરમાં ૭ રનની જરૂર હતી અને સંજૂએ માત્ર ૨ બોલમાં જ મેચ પૂરી કરી દીધી. તેમની ૯૭ રનની ઇનિંગમાં ૧૨ ચોગ્ગા અને ૪ છગ્ગા સામેલ હતા, જે આ જીતનો આધાર બન્યા.
આ વિજય માત્ર આંકડાકીય જીત નહોતો પરંતુ ટીમના આત્મવિશ્વાસ અને સંકલ્પનું પ્રતિક હતો.સૂર્ય નમસ્કારનોવિજય મોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયો છે અને ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર ક્ષણ બની છે. હવે ભારત સેમિફાઇનલમાં નવી ઉર્જા સાથે ઉતરશે અને ટાઈટલ બચાવવાનો પ્રયાસ કરશે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
