<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

યુદ્ધની આફતઃ પીવી સિંધુ દુબઈમાં ફસાઈ, ઓલ ઈંગ્‍લેન્‍ડ ઓપન પર સંકટના વાદળો

મધ્‍ય પૂર્વમાં તણાવને પગલે એરસ્‍પેસ બંધઃ ભારતીય સ્‍ટાર શટલર એરપોર્ટ પર થયેલા વિસ્‍ફોટમાં માંડ-માંડ બચી

દુબઈ/નવી દિલ્‍હીઃ ભારતીય બેડમિન્‍ટન સ્‍ટાર અને ઓલિમ્‍પિક મેડલ વિજેતા પીવી સિંધુ હાલમાં ભયાનક પરિસ્‍થિતિનો સામનો કરી રહી છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાને કારણે મધ્‍ય પૂર્વમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્‍થિતિને પગલે સિંધુ દુબઈમાં ફસાઈ ગઈ છે. આ વિકટ સંજોગોને જોતા, ૩ માર્ચથી શરૂ થનારી પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્‍લેન્‍ડ ઓપન ૨૦૨૬માં તેની ભાગીદારી હવે લગભગ અશકય જણાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, સિંધુ તેના ઇન્‍ડોનેશિયન કોચ ઇરવંશ્‍યાહ આદિ પ્રતામા સાથે દુબઈ એરપોર્ટ પર હતી ત્‍યારે જ નજીકમાં એક મોટો વિસ્‍ફોટ થયો હતો. સદનસીબે, સિંધુ અને તેના કોચ આ દુર્ઘટનામાં સુરક્ષિત બચી ગયા હતા. સુરક્ષાકર્મીઓએ તાત્‍કાલિક તેઓને સલામત સ્‍થળે ખસેડ્‍યા હતા. હાલમાં દુબઈ સહિતના મોટા એરપોર્ટ્‍સ બંધ કરી દેવાતા ઇંગ્‍લેન્‍ડ જતી તમામ ફ્‌લાઇટ્‍સ રદ કરવામાં આવી છે.

ટુર્નામેન્‍ટમાંથી ખસી

જવાની નોબત

સિંધુનો પ્રથમ રાઉન્‍ડમાં થાઈલેન્‍ડની સુપાનિદા કાટેથોંગ સામે મુકાબલો થવાનો હતો. જોકે, એરસ્‍પેસ બંધ હોવાને કારણે તે સમયસર ર્બમિંગહામ પહોંચી શકે તેમ નથી. બેડમિન્‍ટન વર્લ્‍ડ ફેડરેશન (BWF) આ સમગ્ર સ્‍થિતિ પર નજર રાખી રહ્યું છે અને અન્‍ય ખેલાડીઓને મદદ કરવાના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ સિંધુ માટે હવે આ ટુર્નામેન્‍ટના દરવાજા બંધ થતા દેખાઈ રહ્યા છે.એકતરફ સિંધુ મુશ્‍કેલીમાં છે, તો બીજી તરફ ભારતના અન્‍ય શટલરો લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી સિંગાપોર અને આફ્રિકાના વૈકલ્‍પિક રૂટ દ્વારા સુરક્ષિત રીતે ઇંગ્‍લેન્‍ડ પહોંચી ગયા છે.

 લક્ષ્ય સેનઃ પ્રથમ રાઉન્‍ડમાં વિશ્વના નંબર ૧ ખેલાડી ચીનના શી યુકી સામે ટકરાશે. આયુષ શેટ્ટીઃ તેનો સામનો ઇન્‍ડોનેશિયાના અલવી ફરહાન સામે થશે.

જોકે, અન્‍ય ખેલાડીઓ માટે આ લાંબી અને થકવી નાખનારી મુસાફરી મેદાન પરના પ્રદર્શનને કેવી અસર કરશે તે જોવું રહ્યું. હાલમાં તો સમગ્ર રમત જગત પીવી સિંધુની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યું છે.

(3:39 PM IST)