<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ટીમ ઈન્ડિયાની જીત છતાં પાકિસ્તાની પૂર્વ બોલર મોહમ્મદ આમિરના પેટમાં તેલ રેડાયું: ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી બાદ પણ ઓક્યું ઝેર; કહ્યું- 'ભારત સારું ક્રિકેટ નથી રમી રહ્યું'

સંજુ સેમસનની ઐતિહાસિક ૯૭ રનની ઈનિંગે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડી, છતાં આમિરે ફિલ્ડિંગ અને બોલિંગમાં કાઢી ખામીઓ; ૫ માર્ચે ઈંગ્લેન્ડ સામે મહામુકાબલો - રિંકુ સિંહ પર પહાડ જેવું દુઃખ તૂટી પડતા ટીમ ઈમોશનલ

કોલકાતા (ઈડન ગાર્ડન્સ): T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે રોમાંચક જીત મેળવીને સેમીફાઈનલમાં જગ્યા પાકી કરી લીધી છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં સંજુ સેમસનના બેટમાંથી નીકળેલી રનની વર્ષાએ કરોડો ભારતીયોના દિલ જીતી લીધા. જોકે, પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને ભારતની આ સફળતા પચી રહી નથી. તેણે ભારતની જીત બાદ પણ ટીમની ટીકા કરીને નવો વિવાદ છેડ્યો છે.
 વેસ્ટ ઈન્ડિઝે આપેલા ૧૯૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ સંજુ સેમસને જવાબદારી પોતાના ખભા પર લીધી. સેમસને ૬૫,૦૦૦ દર્શકોની હાજરીમાં આક્રમક બેટિંગ કરતા ૧૨ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી અણનમ ૯૭ રન ફટકાર્યા. તેની આ ઈનિંગે સાબિત કરી દીધું કે તે દબાણ હેઠળ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ મહત્વનું યોગદાન આપ્યું, જેના કારણે ભારતે ૧૯.૨ ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.
"ભારત નસીબના જોરે જીત્યું": પાકિસ્તાની ટીવી શોમાં વાત કરતા આમિરે કહ્યું કે, "ભલે સંજુએ સારી ઈનિંગ રમી, પણ ભારત સારું ક્રિકેટ નથી રમી રહ્યું. તેમની ફિલ્ડિંગ ખૂબ જ ખરાબ હતી, તેમણે ૩-૪ કેચ છોડ્યા. બોલિંગમાં પણ જસપ્રીત બુમરાહ સિવાય બધા રન લૂંટાવી રહ્યા છે." આમિરે અગાઉ એવી આગાહી કરી હતી કે ભારત સેમીફાઈનલમાં નહીં પહોંચે, જે ખોટી સાબિત થતા હવે તે ટીમની ખામીઓ શોધી રહ્યો છે.
એકતરફ જીતનો ઉત્સાહ છે, તો બીજી તરફ ભારતીય છાવણીમાં ગમગીની પણ છે. ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહના પિતાનું કેન્સરના કારણે અવસાન થતા તેઓ ટૂર્નામેન્ટ અધવચ્ચે છોડીને ઘરે પરત ફર્યા છે. રિંકુ વેસ્ટ ઈન્ડિઝ સામે ઉપલબ્ધ નહોતા, જેની અસર ટીમના ઈમોશન્સ પર સ્પષ્ટ દેખાતી હતી. જીત બાદ પણ ખેલાડીઓએ આ જીત રિંકુ અને તેના પરિવારને સમર્પિત કરી હતી.
ભારત હવે ૫ માર્ચે ટૂર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં શક્તિશાળી ઈંગ્લેન્ડનો સામનો કરશે. ચાહકોને આશા છે કે સંજુ સેમસન અને બુમરાહ પોતાની લય જાળવી રાખશે અને ભારત ફાઈનલમાં પ્રવેશ કરશે

(8:54 PM IST)