News of Wednesday, 4th March 2026
વિશ્વ રમતજગતમાં ભારતીય નારીશક્તિનો ડંકો: 'લોરિયસ ટીમ ઓફ ધ યર' એવોર્ડ માટે ટીમ ઈન્ડિયા નોમિનેટ, રચ્યો નવો ઈતિહાસ
વર્લ્ડ કપ વિજેતા હરમનપ્રીત કૌર એન્ડ કંપની આ પ્રતિષ્ઠિત સન્માનની રેસમાં સામેલ થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ: મેડ્રિડમાં યોજાનારા ભવ્ય સમારોહમાં ફૂટબોલ અને ફોર્મ્યુલા વન જેવી દિગ્ગજ ટીમો સાથે થશે ટક્કર

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વૈશ્વિક ફલક પર વધુ એક સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૫માં વન-ડે વર્લ્ડ કપનું ટાઈટલ જીતીને દેશનું ગૌરવ વધારનાર હરમનપ્રીત કૌરની સેનાને હવે પ્રતિષ્ઠિત 'લોરિયસ ટીમ ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૬' માટે નોમિનેટ કરવામાં આવી છે. આ સફળતા એટલે પણ ખાસ છે કારણ કે, વર્ષ ૨૦૦૦થી શરૂ થયેલા લોરિયસ એવોર્ડ્સના ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કોઈ પણ દેશની મહિલા ક્રિકેટ ટીમને આ કેટેગરીમાં સ્થાન મળ્યું નથી. ભારતીય મહિલા ટીમે મેદાન પર બતાવેલા અપ્રતિમ શૌર્ય અને સાતત્યપૂર્ણ પ્રદર્શનની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે, જે ભારતીય રમતજગત માટે એક ઐતિહાસિક ક્ષણ છે.
આ એવોર્ડની સ્પર્ધા અત્યંત કઠિન માનવામાં આવી રહી છે, કારણ કે ભારતની આ 'બ્લુ બ્રિગેડ'નો મુકાબલો વિશ્વની દિગ્ગજ ટીમો સાથે થવાનો છે. નોમિનેશનની યાદીમાં ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ, યુરોપિયન રાયડર કપ ટીમ, ફ્રાન્સની દિગ્ગજ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મેઈન (PSG) અને વિશ્વવિખ્યાત મેક્લેરેન ફોર્મ્યુલા વન જેવી ટીમોનો સમાવેશ થાય છે. આગામી ૨૦ એપ્રિલના રોજ સ્પેનના મેડ્રિડમાં એક જાજરમાન સમારોહ યોજાશે, જેમાં વિશ્વભરના રમતગમતના માંધાતાઓ વચ્ચે વિજેતા ટીમની જાહેરાત કરવામાં આવશે. આ નોમિનેશન જ સાબિત કરે છે કે હવે ભારતીય મહિલા ક્રિકેટ માત્ર રમત પૂરતી સીમિત નથી, પરંતુ વૈશ્વિક બ્રાન્ડ બની ચુકી છે.
લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને નવાજવામાં આવે છે. ભારત માટે આ એવોર્ડ સાથેનો નાતો જૂનો છે; આ પૂર્વે ૨૦૧૯માં રેસલર વિનેશ ફોગાટ, ૨૦૨૨માં ગોલ્ડન બોય નીરજ ચોપરા અને ૨૦૨૫માં સ્ટાર ક્રિકેટર રિષભ પંત પણ અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ થઈ ચૂક્યા છે. જોકે, ટીમ ઈન્ડિયા આ વખતે વિજેતા બનીને ભારત માટે પહેલો 'ટીમ ઓફ ધ યર' લોરિયસ એવોર્ડ લાવે તેવી પૂરી શક્યતા છે. આ નોમિનેશનથી દેશની લાખો દીકરીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવી ઉર્જા અને પ્રેરણા મળશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
