<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

આઇસીસી ટી-ર૦ રેન્‍કીંગઃ અભિષેકની બાદશાહત કાયમઃ કિશન ચોથા, તિલક છઠ્ઠા અને સૂર્યા સાતમા સ્‍થાને

બોલિંગમાં વરૂણ ચક્રવતી પ્રથમ, ઓલરાઉન્‍ડરમાં હાર્દિક પંડયા બીજા સ્‍થાને

નવી દિલ્‍હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી નવીનતમટી-૨૦ રેન્‍કિંગમાં ભારતીય યુવા ખેલાડીઓની બોલબાલા જોવા મળી રહી છે, પરંતુ પાકિસ્‍તાનના ખેલાડીઓ તેમને જોરદાર ટક્કર આપી રહ્યા છે. ખાસ કરીને બેટિંગમાં ભારતની રન-મશીન ગણાતા અભિષેક શર્મા અને પાકિસ્‍તાનના ઓપનર સાહિબજાદા ફરહાન વચ્‍ચે નંબર-૧ ના સ્‍થાન માટે કાંટાની ટક્કર શરૂ થઈ ગઈ છે. ભારતના વિસ્‍ફોટક ઓપનર અભિષેક શર્મા ૮૭૪ રેટિંગ પોઈન્‍ટ સાથે વિશ્વના નંબર-૧ ટી-૨૦ બેટ્‍સમેન તરીકે યથાવત છે. જોકે, પાકિસ્‍તાનનો સાહિબજાદા ફરહાન  ૮૪૮ પોઈન્‍ટ સાથે બીજા સ્‍થાને આવી ગયો છે. હવે બંને વચ્‍ચે માત્ર ૨૬ પોઈન્‍ટનું જ અંતર બાકી છે.  ભારતીય ફેન્‍સ માટે સારા સમાચાર એ છે કે ઈશાન કિશન ચોથા સ્‍થાને અને તિલક વર્મા છઠ્ઠા સ્‍થાને પહોંચી ગયા છે.

જોકે, કેપ્‍ટન સૂર્યકુમાર યાદવ માટે આ અઠવાડિયું સારું રહ્યું નથી, તે એક સ્‍થાન નીચે સરકીને સાતમા ક્રમે આવી ગયો છે. ઓલરાઉન્‍ડરોની યાદીમાં હાર્દિક પંડ્‍યાએ એક સ્‍થાનનો ફાયદો મેળવીને બીજા સ્‍થાને કબજો કર્યો છે. હવે તેની આગળ માત્ર ઝિમ્‍બાબ્‍વેનો સિકંદર રઝા છે. હાર્દિક જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોતા તે જલ્‍દી જ નંબર-૧ ઓલરાઉન્‍ડર બની શકે છે. બોલરોની વાત કરીએ તો, ભારતીય મિસ્‍ટ્રી સ્‍પિનર વરુણ ચક્રવર્તી ૭૭૧ પોઈન્‍ટ સાથે દુનિયાનો નંબર-૧ બોલર છે. અફદ્યાનિસ્‍તાનનો રાશિદ ખાન ૭૫૩ પોઈન્‍ટ સાથે બીજા સ્‍થાને છે. આ સિવાય જસપ્રીત બુમરાહ (૭મો ક્રમ) અને અર્શદીપ સિંહ (૧૩મો ક્રમ) પણ રેન્‍કિંગમાં ઉપર ચઢ્‍યા છે. ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચેની સેમિફાઇનલ મેચ આ રેન્‍કિંગમાં હજુ પણ મોટા ફેરફારો લાવી શકે છે.

(12:21 PM IST)