તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
બર્મિંગહામમાં લક્ષ્ય સેનનો વિજયધ્વજ: હોંગકોંગના ખેલાડીને હંફાવી ‘ઓલ ઈંગ્લેન્ડ ઓપન’ની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રવેશ
થ્રિલર મેચમાં ૨૧-૧૦ થી નિર્ણાયક ગેમ જીતી લક્ષ્યે મેદાન માર્યું: હવે સેમીફાઈનલની ટિકિટ માટે ચીનના દિગ્ગજ લી શી ફેંગ સાથે થશે મહાજંગ

બર્મિંગહામ: ભારતનો સ્ટાર શટલર લક્ષ્ય સેન અત્યારે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યો છે. બર્મિંગહામ ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત 'ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ'માં લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ખિતાબ જીતવાની આશા જીવંત રાખી છે. વિશ્વના ૧૨મા ક્રમાંકિત લક્ષ્યે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગના એનજી કા લોંગ એંગસ સામે લોઢાના ચણા ચાવવા પડ્યા હતા, પરંતુ અંતે પોતાની આક્રમક રમતથી વિજય મેળવ્યો હતો.
આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં લક્ષ્યે પ્રથમ ગેમ ૨૧-૧૯ થી જીતીને લીડ મેળવી હતી. જોકે, બીજી ગેમમાં હોંગકોંગના ખેલાડીએ જોરદાર વળતો પ્રહાર કર્યો અને ૨૧-૨૩ થી ગેમ જીતીને મેચને નિર્ણાયક તબક્કે લાવી દીધી હતી. ત્રીજી અને અંતિમ ગેમમાં લક્ષ્ય સેને પોતાની અસલી ક્ષમતા બતાવી અને વિરોધી ખેલાડીને વળતો જવાબ આપવાની તક પણ ન આપી. લક્ષ્યે ૨૧-૧૦ ના વિશાળ અંતરથી ત્રીજી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
હવે ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો સામનો ચીનના છઠ્ઠા ક્રમાંકિત ખેલાડી લી શી ફેંગ સાથે થશે. આ મુકાબલો અત્યંત રસાકસીભર્યો રહેવાની અપેક્ષા છે, કારણ કે સેમીફાઈનલમાં પહોંચવા માટે બંને ખેલાડીઓ એડીચોટીનું જોર લગાવશે. ભારતીય રમતપ્રેમીઓની નજર હવે લક્ષ્ય પર ટકેલી છે કે શું તે ૨૦૨૨ પછી ફરી એકવાર આ ટુર્નામેન્ટની ફાઈનલ સુધીની સફર ખેડી શકશે કે નહીં.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
