તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: ઇંગ્લેન્ડને ધૂળ ચટાડી ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં, આકાશ દીપની ભવિષ્યવાણી - "સૂર્યાની સેના જ ફરી બનશે વિશ્વ વિજેતા"
સેમીફાઇનલમાં સંજુ સેમસનનું વાવાઝોડું: ૪૨ બોલમાં ૮૯ રન ફટકારી ઇંગ્લેન્ડના બોલરોને પાયમાલ કર્યા; ૮ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખેલાશે મહાજંગ

મુંબઈ:મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ સેમીફાઇનલમાં ભારતની ‘યંગ બ્રિગેડ’ એ ઇંગ્લેન્ડને ૭ રનથી હરાવીને T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ જીત સાથે જ ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. તેમણે દાવો કર્યો છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા એટલી મજબૂત છે કે તે ન્યુઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરશે. ૧.૪ અબજ ભારતીયો અત્યારે આ ઐતિહાસિક પળની રાહ જોઈ રહ્યા છે.
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૩ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો, જે વર્લ્ડ કપ નોકઆઉટના ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર છે. સંજુ સેમસને પોતાની આક્રમક બેટિંગથી ઇંગ્લેન્ડના ફિલ્ડરોને દોડતા કરી દીધા હતા. તેણે માત્ર ૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૮૯ રનની તોફાની ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ પણ ૨૫ બોલમાં ૪૩ રન ફટકારીને સ્કોરબોર્ડને ગતિ આપી હતી.
૨૫૪ રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ૨૪૬ રન સુધી જ પહોંચી શકી હતી. જેકબ બેથેલે ૪૮ બોલમાં ૧૦૫ રનની આતશી સદી ફટકારીને ભારતને ડરાવ્યું જરૂર હતું, પરંતુ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં સંયમ જાળવી રાખી વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે. હવે આઠમી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ચેમ્પિયન બનવા માટે ખરાખરીનો જંગ જામશે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
