<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

અમદાવાદમાં પિચની 'માયાજાળ': ફાઈનલ મેચ માટે ખાસ મિશ્ર માટીની પિચ તૈયાર, શું ભારતીય બેટ્સમેનો રનનો ડુંગર ખડકી કિવી ટીમનું સપનું રોળશે?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જૂની ભૂલોમાંથી શીખીને લેવાયો મોટો નિર્ણય; કાળી માટીને બદલે ઉછાળવાળી પિચ પર રમાશે જંગ, જાણો બોલરો માટે કેમ કાળ સાબિત થઈ શકે છે આ મેદાન અને ક્યાં જોઈ શકાશે લાઈવ પ્રસારણ

અમદાવાદ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના ખિતાબી જંગ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ થઈ ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા સૌથી મોટા સમાચાર પિચને લઈને આવ્યા છે. અત્યાર સુધી જે મેદાન પર ભારતને નસીબે સાથ નહોતો આપ્યો, ત્યાં આ વખતે પિચનું સ્વરૂપ બદલી નાખવામાં આવ્યું છે. કાળી માટીને બદલે ખાસ મિશ્ર માટીની પિચ તૈયાર કરવામાં આવી છે, જે બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ શકે છે.
 આ નવી પિચ પર અત્યાર સુધી માત્ર દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચે મેચ રમાઈ છે, જેમાં આફ્રિકાએ ૨૧૩ રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો. પિચ રિપોર્ટ મુજબ, મિશ્ર માટીને કારણે બોલ બેટ પર સરસ રીતે આવશે અને ઉછાળને કારણે બેટ્સમેનો લાંબી સિક્સર સરળતાથી ફટકારી શકશે. જોકે, આ સ્થિતિ ફાસ્ટ બોલરો માટે પડકારજનક બની શકે છે, કારણ કે નાની ભૂલ પણ સીધી બાઉન્ડ્રી બહાર જશે.
 ભારતીય ટીમ માટે આ મેચ પ્રતિષ્ઠાનો જંગ છે. આંકડા જોઈએ તો, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત ક્યારેય ન્યૂઝીલેન્ડ સામે જીતી શક્યું નથી. અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં કિવી ટીમનો વિજય થયો છે. જોકે, ટીમ ઈન્ડિયા બે વખત ચેમ્પિયન રહી ચૂકી છે અને આ તેની ચોથી ફાઈનલ છે, જ્યારે ન્યૂઝીલેન્ડ હજુ પણ તેના પ્રથમ ટાઇટલની શોધમાં છે. રોહિત એન્ડ કંપની આ વખતે હોમ ગ્રાઉન્ડ પર ઇતિહાસ રચવા માટે ફેવરિટ માનવામાં આવે છે.
આ ઐતિહાસિક ફાઈનલ મેચ આવતીકાલે સાંજે ૭:૦૦ વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ ૬:૩૦ વાગ્યે ઉછાળવામાં આવશે. ક્રિકેટ રસિયાઓ આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, જિયોહોટસ્ટાર અને ડીડી સ્પોર્ટ્સ પર નિહાળી શકશે. ન્યૂઝીલેન્ડના કેપ્ટને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટ્રોફી જીતવા માટે ગમે તે હદે મહેનત કરશે, જ્યારે કરોડો ભારતીય ચાહકોની નજર ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી ઉંચકતા જોવા પર ટકેલી છે. શું ભારત પોતાનો જૂનો રેકોર્ડ સુધારીને ઘરઆંગણે ચેમ્પિયન બનશે? તે જોવું હવે માત્ર ગણતરીના કલાકોની જ વાર છે

(10:58 PM IST)