<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કેપ્ટનો વચ્ચે 'માઈન્ડ ગેમ': સેન્ટનરની હિંમત સામે સૂર્યાનો સણસણતો જવાબ, અમદાવાદમાં જામશે જંગ

"અમદાવાદના મેદાનમાં 1 લાખ દર્શકોને શાંત કરી દઈશું" તેવા કિવી કેપ્ટનના પડકાર પર ભારતીય સુકાની સૂર્યકુમાર યાદવનો પલટવાર; કહ્યું- "દરેક વખતે આ જ જૂની લાઈન બોલવાને બદલે હવે કંઈક નવું વિચારીને આવો"

અમદાવાદ:આગામી 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈસીસી ટી20 વર્લ્ડકપ-2026ની મહાફાઈનલ પૂર્વે મેદાન બહારનું તાપમાન વધી ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ હાઈવોલ્ટેજ મુકાબલા પહેલા બંને ટીમોના કેપ્ટનો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે હિંમતભર્યું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમની ટીમ અમદાવાદના સ્ટેડિયમમાં ઉમટનારા એક લાખથી વધુ ભારતીય સમર્થકોના અવાજને શાંત કરી દેશે. સેન્ટનરે દાવો કર્યો હતો કે સ્ટેડિયમમાં ઘરઆંગણે રમવાનું દબાણ ભારત પર વધુ રહેશે અને કિવી ટીમ અન્ડરડોગ તરીકે મેદાનમાં ઉતરીને ચોંકાવનારું પ્રદર્શન કરવા સક્ષમ છે.

સેન્ટનરના આ પડકાર સામે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે અત્યંત આક્રમક અને રમુજી અંદાજમાં પ્રતિક્રિયા આપી માઈન્ડ ગેમમાં સરસાઈ મેળવી લીધી છે. સૂર્યાએ મીડિયા સાથેની વાતચીતમાં સ્મિત સાથે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "હવે દરેક કેપ્ટન મેચ પહેલા આ જ લાઈન બોલે છે કે અમે સ્ટેડિયમને શાંત કરી દઈશું, હવે તેમણે કંઈક નવું બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ." સૂર્યકુમારના આ નિવેદને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને ભારતીય ચાહકોમાં જોશ ભરી દીધો છે. સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ અત્યંત સકારાત્મક છે અને ટીમ ઈન્ડિયા કોઈપણ પ્રકારના દબાણ વગર માત્ર પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

બીજી તરફ, સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમ પણ આત્મવિશ્વાસથી લબરેજ છે. સેન્ટનરે સ્વીકાર્યું હતું કે ભલે તેઓ ફેવરિટ ન ગણાતા હોય, પરંતુ જો ટીમ નાની-નાની બાબતો પર ધ્યાન આપશે તો તેઓ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ ટ્રોફી જીતવાનો ઈતિહાસ રચી શકે છે. રવિવારે રમાનારી આ ફાઈનલ માત્ર બે ટીમો વચ્ચેની લડાઈ નથી, પરંતુ સૂર્યાની વિસ્ફોટક બેટિંગ અને સેન્ટનરની ચતુર સ્પિન બોલિંગ વચ્ચેની વ્યક્તિગત જંગ પણ બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદના મેદાનમાં કોનું પાસું ભારે પડે છે અને કોણ વિશ્વ વિજેતા બને છે.

(11:25 PM IST)