તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
ક્રિકેટના મેદાનમાં 'ધનવર્ષા': T20 વર્લ્ડ કપના વિજેતા પર થશે કરોડોની ઇનામી રકમની વર્ષા, ICC એ ઈનામમાં કર્યો 20%નો ધરખમ વધારો
ફાઈનલ જંગ પહેલા આઈસીસીના રેકોર્ડબ્રેક ઈનામી પેકેજે ઉત્તેજના વધારી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલામાં વિજેતા બનનાર ટીમ બનશે માલામાલ, જાણો ફાઈનલની સંપૂર્ણ આર્થિક ગણિત

અમદાવાદ: ક્રિકેટના મેદાનમાં આજે રવિવારે એક ઐતિહાસિક અને રોમાંચક જંગ ખેલાવા જઈ રહ્યો છે, જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ ટક્કર થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આ મહામુકાબલા પર માત્ર ક્રિકેટ પ્રેમીઓની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. આ વખતે આઈસીસી (ICC) એ આ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમમાં 20 ટકાનો જંગી વધારો કરીને ખેલાડીઓના ઉત્સાહમાં ચાર ચાંદ લગાવી દીધા છે. વિજેતા બનનાર ટીમને રેકોર્ડબ્રેક આશરે ₹27.48 કરોડની તોતિંગ રકમ મળશે, જ્યારે ઉપવિજેતા ટીમને પણ આશરે ₹14.65 કરોડનું મસમોટું ઇનામ પ્રાપ્ત થશે.
આ વખતની ઈનામી રકમનો કુલ ક્વોન્ટમ આશરે ₹112 કરોડથી પણ વધુ રાખવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આ ટુર્નામેન્ટ કેટલી મોટી અને આર્થિક રીતે સમૃદ્ધ છે. ભારત અને શ્રીલંકા દ્વારા સહ-યજમાન પદે આયોજિત આ ટુર્નામેન્ટમાં સ્પોન્સરશિપ આવકને કારણે આર્થિક લાભનું સ્તર ઊંચું ગયું છે. માત્ર ફાઇનલિસ્ટ જ નહીં, પરંતુ સેમિફાઇનલમાં હારનાર ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને પણ દરેકને ₹7.24 કરોડ જેવી રકમ મળશે. સુપર 8 માં પહોંચેલી ટીમો અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમોને પણ આઈસીસીએ નિરાશ નથી કરી અને નાણાકીય પ્રોત્સાહન આપીને દરેકને નાણાકીય લાભ પહોંચાડવાની ખાતરી કરી છે.
ક્રિકેટના ઇતિહાસમાં આ ચોથી વખત છે જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ કોઈ મોટી આઈસીસી ટુર્નામેન્ટની ફાઈનલમાં આમને-સામને ટકરાશે. વર્ષ 2000 ની નોકઆઉટ ટ્રોફી, 2021 ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આજે ફરી એકવાર બંને ટીમો સામસામે છે. જૂની હારનો બદલો લેવા મથતું ભારત અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા તૈયાર ન્યુઝીલેન્ડ માટે આ ફાઈનલ માત્ર ટ્રોફી જીતવાની જ નહીં, પણ ગૌરવની લડાઈ છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદના મેદાનમાં કઈ ટીમ પોતાના નામે આ રેકોર્ડબ્રેક ઇનામી રકમ અને પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફી કરે છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
