તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
ફાઈનલમાં રનનો વરસાદ નક્કી: અમદાવાદની પીચ પર હાઈ-સ્કોરિંગ મેચની સંભાવના, કિવી ટીમના ‘ફિન એલન’ અને ભારતની ‘બુમરાહ’ સેના સામસામે
જો ભારત કે ન્યુઝીલેન્ડ મોટો સ્કોર ચેઝ કરશે, તો તે T20 વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો ‘રન ચેઝ’ સાબિત થઈ શકે છે

અમદાવાદ:દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ખાતે આજે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાવા જઈ રહી છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના ગ્રાન્ડ ફિનાલેમાં યજમાન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખિતાબી જંગ ખેલાશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને સતત બીજી વખત ચેમ્પિયન બની ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.
અમદાવાદમાં રનનો અંબાર લાગશે?
આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદનું સ્ટેડિયમ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહ્યું છે. અગાઉ અહીં ભારતે ન્યુઝીલેન્ડ સામે જ ૨૩૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હવામાન વિભાગ અને પીચ રિપોર્ટ અનુસાર, ફાઈનલ મેચમાં પણ ૧૯૦ થી ૨૦૦ રનનો સ્કોર જોવા મળી શકે છે. જો ભારત કે ન્યુઝીલેન્ડ મોટો સ્કોર ચેઝ કરશે, તો તે T20 વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો ‘રન ચેઝ’ સાબિત થઈ શકે છે.
સંજુ સેમસન અને ફિન એલન વચ્ચે જંગ
ભારત તરફથી સંજુ સેમસન અત્યારે પ્રચંડ ફોર્મમાં છે, તેણે છેલ્લી ૪ મેચમાં ૨૩૨ રન ફટકાર્યા છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડનો ઓપનર ફિન એલન પણ આ ટુર્નામેન્ટની સૌથી ઝડપી સદી ફટકારીને આત્મવિશ્વાસથી લબરેજ છે. જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ અને વરુણ ચક્રવર્તીની સ્પિન જાળ સામે કિવી બેટ્સમેનોની કસોટી થશે.
રવિવારનો ‘શ્રાપ’ તૂટશે?
ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે ભારત રવિવારે રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલમાં હારતું આવ્યું છે (૨૦૦૩ અને ૨૦૨૩), પરંતુ ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે આ શૃંખલા તોડી હતી. આજે ૧.૩૨ લાખ દર્શકોની હાજરીમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર તિરંગો લહેરાવવા મેદાનમાં ઉતરશે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
