<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

IPL 2026ના મહાકુંભની તારીખ જાહેર: ૨૮ માર્ચથી જામશે ક્રિકેટનો રોમાંચ, ફેન્સમાં ભારે ઉત્સાહ

ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ શકે છે પ્રથમ મેચ અને ફાઈનલ; સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા સત્તાવાર જાહેરાત બાદ હવે શેડ્યૂલની આતુરતાથી જોવાય રહી છે રાહ

નવી દિલ્હી:ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆતની તારીખ અંગેનો સસ્પેન્સ હવે ખતમ થઈ ગયો છે. સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી જાહેરાત મુજબ, IPL 2026નો ધમાકેદાર પ્રારંભ ૨૮ માર્ચ, ૨૦૨૬થી થવા જઈ રહ્યો છે. આ જાહેરાત બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પ્રથમ મેચ બેંગલુરુના આંગણે રમાવાની શક્યતા
અહેવાલો અનુસાર, IPL 2026ની પ્રથમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પોતાના હોમ ગ્રાઉન્ડ પરથી ટુર્નામેન્ટની શરૂઆત કરશે. રસપ્રદ વાત એ છે કે, IPL 2025ની ફાઈનલમાં આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું, અને એવું માનવામાં આવે છે કે સીઝનની પ્રથમ મેચમાં પણ આરસીબી અને પંજાબ કિંગ્સ સામસામે ટકરાઈ શકે છે. બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં બે અલગ-અલગ તબક્કામાં સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.
બેંગલુરુમાં જ રમાશે ફાઈનલ મેચ?
ટુર્નામેન્ટની શરૂઆતની સાથે જ ફાઈનલ મેચના વેન્યુ અંગે પણ મહત્વની અપડેટ સામે આવી છે. ગત વર્ષે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, પરંતુ આ વખતે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ ફાઈનલ રમાય તેવી પ્રબળ શક્યતા છે. જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે. વધુમાં જાણવા મળ્યું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સાત હોમ મેચોમાંથી પાંચ મેચ ચિન્નાસ્વામીમાં અને બે મેચ રાયપુરમાં રમાઈ શકે છે.
આગામી દિવસોમાં બીસીસીઆઈ દ્વારા સત્તાવાર શેડ્યૂલ બહાર પાડવામાં આવશે, જેમાં કઈ ટીમો વચ્ચે ક્યારે અને કયા મેદાન પર મુકાબલો થશે તેની વિગતવાર માહિતી મળશે. હાલમાં માત્ર ટુર્નામેન્ટની શરૂઆતની તારીખ જાહેર થતા જ સોશિયલ મીડિયા પર 'આઈપીએલ 2026' ટ્રેન્ડ થવા લાગ્યું છે.

(8:40 PM IST)