તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
T20 વર્લ્ડ કપની ફાઈનલમાં અર્શદીપ સિંહનો પિત્તો ગયો: ડેરિલ મિશેલ પર બોલ ફેંકવો ભારતીય બોલરને ભારે પડ્યો, ICCએ ફટકાર્યો દંડ
અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આચારસંહિતાનો ભંગ બદલ મેચ ફીના 15 ટકાની કપાત; શિસ્તભંગ બદલ એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરાયો

અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની રસાકસીભરી ફાઈનલ મેચમાં ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ વિવાદમાં ફસાયા છે. મેચ દરમિયાન મેદાન પર આક્રમક વલણ દાખવવા બદલ ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા અર્શદીપ સિંહને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રવિવારે રમાયેલી આ નિર્ણાયક મેચમાં અર્શદીપ દ્વારા આચારસંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 11મી ઓવર દરમિયાન આ ઘટના બની હતી. અર્શદીપ સિંહે પોતાના જ બોલ પર ફિલ્ડિંગ કર્યા બાદ જોશમાં આવીને બોલ પાછો ફેંક્યો હતો, જે સીધો બેટ્સમેન ડેરિલ મિશેલને જઈને વાગ્યો હતો. ICCની આચારસંહિતાની કલમ 2.9 મુજબ, આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ પણ ખેલાડી પર અથવા તેની નજીક જોખમી રીતે બોલ કે અન્ય સાધનો ફેંકવા પર પ્રતિબંધ છે. અર્શદીપ આ કાયદાનો ભંગ કરતા ઝડપાયા હતા.
ICCની કડક કાર્યવાહી
મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા પ્રસ્તાવિત આ દંડને અર્શદીપ સિંહે સ્વીકારી લીધો છે, જેને કારણે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી. દંડની સાથે સાથે અર્શદીપના શિસ્ત રેકોર્ડમાં એક ‘ડિમેરિટ પોઈન્ટ’ પણ ઉમેરવામાં આવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 24 મહિનામાં અર્શદીપ દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ ગુનો છે. આ આરોપ ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ દ્વારા લગાવવામાં આવ્યો હતો.
ગ્રાઉન્ડ પરની ગરમાગરમી
વર્લ્ડ કપની ફાઈનલ જેવી મોટી મેચમાં દબાણ અને ઉત્તેજના વધુ હોય છે, પરંતુ અર્શદીપના આ વલણની સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક ચાહકો તેને મેદાન પરની આક્રમકતા માની રહ્યા છે, તો કેટલાક તેને ખેલદિલી વિરુદ્ધનું કૃત્ય ગણાવી રહ્યા છે. જોકે, દંડ સ્વીકારીને અર્શદીપે આ વિવાદને વધુ વધારવાને બદલે શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
