તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: ૨૮ માર્ચે બેંગલુરુના મેદાનમાં RCB અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, ધોની-કોહલી વચ્ચે ઓપનિંગ મેચ નહીં થાય
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લાંબા સમય બાદ ફરી ગુંજશે આઈપીએલનો શોર: BCCI એ ૨૦ મેચોનું લિસ્ટ કર્યું જાહેર, ચૂંટણીઓને કારણે બાકીનું શિડ્યુલ હવે પછી જાહેર થશે

રાજકોટ: ક્રિકેટ પ્રેમીઓ માટે આખરે એ ઘડી આવી ગઈ છે જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. BCCI એ બુધવારે IPL 2026 ના પ્રથમ તબક્કાનું શિડ્યુલ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટની શરૂઆત ૨૮ માર્ચના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને ટકરાશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઉજવણી દરમિયાન સર્જાયેલી દુર્ઘટના બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમને ફરીથી મેચોના આયોજન માટે લીલી ઝંડી મળી ગઈ છે.
શિડ્યુલ મુજબ, ૨૯ માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે પાંચ વખતની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોતાનો પ્રથમ મેચ ગુવાહાટીના મેદાનમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ વખતે પણ આઈપીએલમાં પાંચ-પાંચ ટાઇટલ જીતનાર મુંબઈ અને ચેન્નાઈ તથા ત્રણ ટ્રોફી જીતનાર કોલકાતા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે.
BCCI એ અત્યારે માત્ર પ્રથમ ૨૦ મેચોનું જ લિસ્ટ જાહેર કર્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ, બીજા તબક્કાનું શિડ્યુલ નક્કી કરવામાં આવશે. નિયમ મુજબ સાંજની મેચો ૭:૩૦ વાગ્યે શરૂ થશે, જ્યારે જે દિવસે બે મેચો (ડબલ હેડર) હશે તે દિવસે બપોરની મેચ ૩:૦૦ વાગ્યે શરૂ કરવામાં આવશે.
IPL 2026: પ્રથમ તબક્કાની મહત્વની મેચો:
મેચ નંબર તારીખ મેચ સ્થળ
૧ ૨૮ માર્ચ RCB વિ. SRH બેંગલુરુ
૨ ૨૯ માર્ચ MI વિ. KKR મુંબઈ
૩ ૩૦ માર્ચ RR વિ. CSK ગુવાહાટી
૪ ૩૧ માર્ચ PBKS વિ. GT મુલ્લાનપુર
૧૧ ૦૫ એપ્રિલ RCB વિ. CSK બેંગલુરુ
૨૦ ૧૨ એપ્રિલ MI વિ. RCB મુંબઈ
આઈપીએલના આ પ્રથમ તબક્કામાં ૧૦ શહેરોમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. ચાહકોમાં અત્યારથી જ પોતાની મનપસંદ ટીમોને ટેકો આપવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
