તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 13th March 2026
દુનિયાની સૌથી મૂર્ખ ટીમ છે દક્ષિણ આફ્રિકા
માઇકલ વોને વિવાદ છેડયો : સુપર-૮માં જો દક્ષિણ આફ્રિકાએ વેસ્ટઇન્ડિઝ સામે જાણી જોઇને હાર સ્વીકારી લીધી હોત તો ભારત આ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું હોત

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને જાણીતા ક્રિકેટ એક્સપર્ટ માઈકલ વોને એક વિવાદાસ્પદ નિવેદન આપીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વોને સાઉથ આફ્રિકાને આ ટૂર્નામેન્ટની સૌથી મૂર્ખ ટીમ ગણાવી છે.
માઈકલ વોનનું માનવું છે કે સાઉથ આફ્રિકા પાસે ભારતને સેમીફાઇનલની રેસમાંથી બહાર કરવાનો સુવર્ણ અવસર હતો, પરંતુ તેમણે આ તક ગુમાવી દીધી. સુપર-૮ રાઉન્ડમાં ભારતે માત્ર એક જ હારનો સામનો કરવો પડ્યો હતો અને તે સાઉથ આફ્રિકા સામે હતી. આ હાર બાદ ભારતનો નેટ રન રેટ ઘણો નબળો પડી ગયો હતો અને ટીમ ઈન્ડિયા પર બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું હતું.
‘Stick to Cricket' પોડકાસ્ટ પર વાત કરતા વોને જણાવ્યું કે, જો સાઉથ આફ્રિકાએ સુપર-૮માં વેસ્ટ ઈન્ડિઝ સામે જાણીજોઈને હાર સ્વીકારી લીધી હોત, તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હોત. તે સમયે વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વે પર મોટી જીત મેળવીને પોતાની આશાઓ જીવંત રાખી હતી. જો આફ્રિકા હારી ગયું હોત, તો પોઈન્ટ ટેબલ અને રન રેટના ગણિતમાં ભારત ફસાઈ ગયું હોત. પરંતુ સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને ૯ વિકેટે હરાવી દીધું, જેનાથી ભારત માટે સેમીફાઈનલના દરવાજા ખુલી ગયા.
૫૧ વર્ષીય માઈકલ વોને વધુમાં ઉમેર્યું કે, જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય, તો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે સૌથી મજબૂત ટીમને ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ બહાર કરી દેવી જોઈએ. સાઉથ આફ્રિકાએ ભારતનો વિજય રથ આગળ વધવા દીધો. ત્યારબાદ ભારતે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી અને અંતે ટ્રોફી જીતી લીધી.
વોનના મતે સાઉથ આફ્રિકાની આ ખેલદિલી તેમને જ ભારે પડી, કારણ કે ભારત જેવી ખતરનાક ટીમ જ્યારે એકવાર લય પકડી લે છે, ત્યારે તેમને રોકવા અશક્ય બની જાય છે. વોનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે, જેમાં કેટલાક લોકો તેને વોનનો નકારાત્મક અભિગમ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ગેમ પ્લાનિંગનો ભાગ માની રહ્યા છે
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
