તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત: વર્લ્ડ કપમાં મેળવ્યું સ્થાન, હૈદરાબાદમાં આજે ઇટાલી સામે સેમિફાઇનલનો જંગ
નવનીત કૌરની શાનદાર હેટ્રિક સાથે ભારતે વેલ્સને ૪-૧ થી પછાડ્યું: ૨૦૨૦ ટોક્યો બાદ ફરી એકવાર પુરુષ અને મહિલા ટીમો વર્લ્ડ કપના મેદાનમાં સાથે દેખાશે

હૈદરાબાદ: ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચતા FIH હોકી વર્લ્ડ કપ ૨૦૨૬ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હૈદરાબાદમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં શાનદાર પ્રદર્શન કરી ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આજે, ૧૩ માર્ચે સાંજે ૭:૩૦ વાગ્યે ભારત ફાઇનલમાં પહોંચવાના ઇરાદા સાથે ઇટાલી સામે ટકરાશે. ભારતીય પુરુષ ટીમ પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂકી હોવાથી, હવે ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક બાદ ફરી એકવાર ભારતની બંને ટીમો વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં સાથે રમતી જોવા મળશે.
નવનીત કૌરનું ‘સુપર ફોર્મ’ અને હેટ્રિકનો જાદુ
પૂલ-બી ની અંતિમ મેચમાં વેલ્સ સામે ભારતે ૪-૧ થી પ્રચંડ વિજય મેળવ્યો હતો. આ જીતની મુખ્ય હીરો સ્ટાર ફોરવર્ડ નવનીત કૌર રહી હતી, જેણે શાનદાર હેટ્રિક ફટકારીને વેલ્સની સંરક્ષણ પંક્તિના લીરેલીરા ઉડાવી દીધા હતા. નવનીત અત્યારે ૪ ગોલ સાથે ટુર્નામેન્ટની સંયુક્ત ટોચની સ્કોરર છે. ભારતે ઉરુગ્વેને ૪-૦ થી હરાવીને અભિયાનની શરૂઆત કરી હતી અને સ્કોટલેન્ડ સામે ૨-૨ થી ડ્રો રમ્યા બાદ પૂલ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
ગણિત સમજો: કેવી રીતે ક્વોલિફિકેશન પાકું થયું?
નિયમ મુજબ, બે અલગ-અલગ ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સમાં ચોથા સ્થાને રહેલી સર્વોચ્ચ વર્લ્ડ રેન્કિંગ ધરાવતી ટીમને વર્લ્ડ કપમાં સ્થાન મળે છે. ભારત અત્યારે વિશ્વમાં ૯મા ક્રમે છે, જ્યારે અન્ય ક્વોલિફાયરમાં ચોથા સ્થાને રહેલું જાપાન ૧૫મા ક્રમે છે. આથી, ભારત જો સેમિફાઇનલ હારે તો પણ રેન્કિંગના આધારે તેની વર્લ્ડ કપની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. જોકે, ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય અત્યારે ટાઇટલ જીતવા પર છે.
ઇટાલી સામે માનસિક મજબૂતી
સેમિફાઇનલમાં ભારતનો સામનો ઇટાલી સામે છે. ૨૦૧૨ થી અત્યાર સુધી બંને ટીમો ૭ વાર આમને-સામને આવી છે, જેમાં ૫ વાર ભારતે મેદાન માર્યું છે. મુખ્ય કોચ સોર્ડ મેરિજને જણાવ્યું હતું કે, “અમે અહીં માત્ર ક્વોલિફાય થવા નથી આવ્યા, અમારું લક્ષ્ય ટુર્નામેન્ટ જીતવાનું છે. ખેલાડીઓએ પૂલ સ્ટેજમાં જે આક્રમક ઇરાદો બતાવ્યો છે, તે જ ઉત્સાહ ઇટાલી સામે પણ જોવા મળશે.”
હૈદરાબાદના મેદાન પર આજે સાંજે હોકી પ્રેમીઓનો ભારે ધસારો જોવા મળશે, કારણ કે આ ‘ચક દે ઇન્ડિયા’ ગર્લ્સ ફાઇનલમાં પહોંચવા માટે જીવ રેડી દેશે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
