<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

BCCI ‘નમન એવોડર્સ'માં સ્‍ટાર ક્રિકેટરોનો જલવોઃ શુભમન ગિલ અને સ્‍મૃતિ મંધાના બન્‍યા ‘બેસ્‍ટ ક્રિકેટર', રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું ‘લાઇફટાઇમ' સન્‍માન

ભારતીય ક્રિકેટના દિગ્‍ગજો અને યુવા પ્રતિભાઓ પર એવોર્ડનો વરસાદઃ વર્લ્‍ડ ચેમ્‍પિયન ટીમોનું પણ વિશેષ અભિવાદન

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત વાર્ષિક પુરસ્‍કાર સમારોહ 'નમન એવોર્ડ્‍સ ૨૦૨૬'માં ભારતીય ક્રિકેટના સિતારાઓ ઝળક્‍યા હતા. નવી દિલ્‍હીના મધ્‍યે યોજાયેલા આ ભવ્‍ય કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પુરસ્‍કાર આપી નવાજવામાં આવ્‍યા હતા. જેમાં યુવા ઓપનર શુભમન ગિલ અને મહિલા ટીમની સ્‍ટાર બેટર સ્‍મૃતિ મંધાનાએ મુખ્‍ય આકર્ષણ જમાવ્‍યું હતું.

શુભમન અને સ્‍મૃતિનો દબદબો

ભારતીય પુરુષ ટીમના 'પ્રિન્‍સ' ગણાતા શુભમન ગિલને તેની શાનદાર બેટિગ માટે સીઝન ૨૦૨૪-૨૫નો પ્રતિષ્ઠિત 'પોલી ઉમરીગર એવોર્ડ' (શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટર) એનાયત કરવામાં આવ્‍યો હતો. બીજી તરફ, મહિલા ક્રિકેટમાં સ્‍મૃતિ મંધાનાએ મેદાન મારી લીધું હતું. તેને શ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત, વનડે ફોર્મેટમાં સૌથી વધુ ૧૩૧૧ રન બનાવવા બદલ પણ સ્‍મૃતિનું સન્‍માન કરાયું હતું.

દિગ્‍ગજોનું લાઇફટાઇમ એચિવમેન્‍ટ સન્‍માન

ભારતીય ક્રિકેટમાં અમૂલ્‍ય યોગદાન આપનારા ભૂતપૂર્વ ખેલાડીઓને સર્વોચ્‍ચ સન્‍માન આપવામાં આવ્‍યું હતું. 'ધ વોલ' તરીકે જાણીતા અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ તેમજ વર્તમાન બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીને સંયુક્‍ત રીતે 'કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ' આપવામાં આવ્‍યો હતો. મહિલા ક્રિકેટના લેજન્‍ડ મિતાલી રાજને પણ મહિલા વિભાગમાં લાઇફટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડથી સન્‍માનિત કરાઈ હતી.

નવા ચહેરાઓનો ઉદય

આંતરરાષ્ટ્રીય સ્‍તરે શાનદાર ડેબ્‍યૂ કરનારા ખેલાડીઓમાં હર્ષિત રાણા (પુરુષ) અને એન. શ્રી ચારણી (મહિલા) એ બાજી મારી હતી. ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભના હર્ષ દુબેએ રણજી ટ્રોફીમાં શાનદાર ઓલરાઉન્‍ડ પ્રદર્શન અને સૌથી વધુ વિકેટો ઝડપીને બેવડો એવોર્ડ મેળવ્‍યો હતો. મુંબઈના યુવા ખેલાડી આયુષ મ્‍હાત્રેને ડોમેસ્‍ટિક લિમિટેડ ઓવર્સમાં શ્રેષ્ઠ ઓલરાઉન્‍ડરનો એવોર્ડ મળ્‍યો હતો.

વર્લ્‍ડ ચેમ્‍પિયન્‍સની ગુંજ

સમારોહમાં ભારતની એ ટીમોનું પણ ખાસ સન્‍માન કરવામાં આવ્‍યું જેમણે વૈશ્વિક મંચ પર તિરંગો લહેરાવ્‍યો છે. જેમાં ૨૦૨૫ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી, ૨૦૨૬ ટી૨૦ વર્લ્‍ડ કપ જીતનાર પુરુષ ટીમ અને મહિલા ODI વર્લ્‍ડ કપ વિજેતા ટીમનો સમાવેશ થાય છે.

મુખ્‍ય એવોર્ડ વિજેતાઓની યાદીઃ પોલી ઉમરીગર એવોર્ડ (શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરઃ શુભમન ગિલ, શ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરઃ સ્‍મૃતિ મંધાના, લાઇફટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ (પુરુષ) રાહુલ દ્રવિડ અને રોજર બિન્ની, લાઇફટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ (મહિલા) મિતાલી રાજ, શ્રેષ્ઠ ડેબ્‍યૂ (પુરુષ/મહિલા) હર્ષિત રાણા / એન. શ્રી ચારણી, વનડેમાં સૌથી વધુ વિકેટ (મહિલા) દીપ્તિ શર્મા (૩૭ વિકેટ), રણજી ટ્રોફીમાં સૌથી વધુ રનઃ વાય.વી. રાઠોડ (વિદર્ભ), શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એસોસિએશન મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA).

(2:33 PM IST)