<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

KKR ને લાગ્યો જોરદાર 'ઝટકો': સ્ટાર ફાસ્ટ બોલર આકાશ દીપ IPL 2026 માંથી બહાર, કોલકાતાની બોલિંગ લાઇનઅપ વેરવિખેર

હર્ષિત રાણા બાદ આકાશ દીપ પણ ઈજાગ્રસ્ત થતા શ્રેયસ અય્યરની ચિંતા વધી; પથિરાનાના NOC પર હજુ પણ સસ્પેન્સ, શું KKR નવા રિપ્લેસમેન્ટ સાથે મેદાને ઉતરશે?

કોલકાતા: આઈપીએલ 2026ની રણભેરી વાગે તે પહેલાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ખેમામાં મુસીબતોનું વાવાઝોડું ફૂંકાયું છે. ટીમના મુખ્ય ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ ઈજાના કારણે આગામી સિઝનમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, KKRના ઉચ્ચ અધિકારીએ પુષ્ટિ કરી છે કે બંગાળનો આ સ્પીડસ્ટર આખી સિઝન માટે અનુપલબ્ધ રહેશે, જે ફ્રેન્ચાઇઝી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ઈજા બની આકાશનો પીછો છોડતી નથી
29 વર્ષીય આકાશ દીપ 18 માર્ચથી કોલકાતામાં શરૂ થયેલા KKRના પ્રેક્ટિસ કેમ્પમાં જોડાયો નહોતો. હાલમાં તે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે રિહેબિલિટેશન હેઠળ છે. આકાશ વારંવાર ઈજાઓનો શિકાર બનતો રહ્યો છે. વર્ષ 2022માં ડેબ્યૂ કર્યા બાદ તે માત્ર 14 મેચ જ રમી શક્યો છે. ગયા વર્ષે લખનૌ સુપરજાયન્ટ્સે તેને 8 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ આ વખતે KKR એ તેને 1 કરોડની બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કમનસીબે, મેદાન પર ઉતરતા પહેલા જ તે બહાર થઈ ગયો છે.
KKRની ફાસ્ટ બોલિંગ ચિંતાજનક સ્થિતિમાં
કોલકાતા માટે મુશ્કેલીઓ માત્ર આકાશ દીપ પૂરતી મર્યાદિત નથી. ટીમનો મુખ્ય બોલર હર્ષિત રાણા ઘૂંટણની સર્જરીને કારણે પહેલેથી જ બહાર છે. બીજી તરફ, ₹18 કરોડમાં ખરીદાયેલા શ્રીલંકાના મથેશા પથિરાનાને હજુ સુધી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મળ્યું નથી. મુખ્ય કોચ અભિષેક નાયરે સંકેત આપ્યા છે કે ટીમ આગામી બે દિવસમાં રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે છે. હાલમાં ટીમ પાસે ભારતીય પેસર્સ તરીકે માત્ર વૈભવ અરોરા, ઉમરાન મલિક અને કાર્તિક ત્યાગીના વિકલ્પો જ બચ્યા છે.
29 માર્ચથી મુંબઈ સામે મહાયુદ્ધ
KKR પોતાના અભિયાનની શરૂઆત 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચથી કરશે. બોલિંગમાં સર્જાયેલી આ ખાલીપો પૂરવા માટે મેનેજમેન્ટ હવે ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનનો ઉપયોગ કરી શકે છે. જોકે, હર્ષિત અને આકાશ જેવા ધારદાર બોલરોની ખોટ પૂરી કરવી KKR માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે.

(7:37 PM IST)