તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
શ્રેયસ અય્યરનો હુંકાર: "ગયા વર્ષે જે રહી ગયું હતું, તે આ વખતે પૂરું કરીશું; મારી નજર માત્ર IPL ટ્રોફી પર છે"
ઈજાના કારણે 7 કિલો વજન ઘટ્યું છતાં અય્યર મેદાનમાં પરત ફરવા તૈયાર; પંજાબ કિંગ્સની નવી જર્સી લોન્ચ ઈવેન્ટમાં કેપ્ટને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ચંદીગઢ: આઈપીએલ 2026ની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સ (PBKS) ના કેપ્ટન શ્રેયસ અય્યરે વિરોધી ટીમોને ચેતવણી આપી દીધી છે. ગયા વર્ષે ફાઈનલમાં રનર્સ-અપ રહી ગયેલી પંજાબની ટીમને આ વખતે ચેમ્પિયન બનાવવા માટે અય્યર મક્કમ દેખાઈ રહ્યો છે. શુક્રવારે યોજાયેલી ટીમની ઓફિશિયલ જર્સી લોન્ચ ઈવેન્ટમાં તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેનું એકમાત્ર લક્ષ્ય પંજાબના આંગણે આઈપીએલની ટ્રોફી લાવવાનું છે.
ઈજા સામેનો જંગ અને પુનરાગમન
શ્રેયસ અય્યરે આ પ્રસંગે પોતાની અંગત લડાઈ વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ગયા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને બરોળ (Spleen) માં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેણે સર્જરી કરાવવી પડી હતી. આ બીમારી અને સર્જરીના કારણે તેનું વજન 7 કિલો જેટલું ઘટી ગયું હતું. અય્યરે કહ્યું, "ઈજા બાદ વાપસી કરવી હંમેશા મુશ્કેલ હોય છે. મેં મારું વજન પાછું મેળવવા અને ફિટનેસ માટે ખૂબ મહેનત કરી છે. મને પડકારો ગમે છે અને હવે હું પૂરા જોશ સાથે ટીમનું નેતૃત્વ કરવા તૈયાર છું."
ગયા વર્ષની હારનો બદલો લેવા આતુર
IPL 2025 ની ફાઇનલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે માત્ર 6 રનથી હારી ગઈ હતી. જોકે, વ્યક્તિગત રીતે શ્રેયસ માટે તે સિઝન શાનદાર રહી હતી. તેણે 175 ના સ્ટ્રાઇક રેટથી 604 રન બનાવ્યા હતા. ખાસ કરીને ક્વોલિફાયર-2 માં મુંબઈ સામેની તેની 87 રનની અણનમ ઇનિંગ આજે પણ ચાહકોના મનમાં તાજી છે. અય્યરે જણાવ્યું કે, "અપેક્ષાઓ ઊંચી છે અને તે જ મને વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે."
31 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે પહેલો મુકાબલો
પંજાબ કિંગ્સ તેના IPL 2026 અભિયાનની શરૂઆત મંગળવાર, 31 માર્ચે ન્યુ ચંદીગઢ ખાતે ગુજરાત ટાઇટન્સ સામેની હોમ મેચથી કરશે. નવા સ્ટેડિયમ અને નવી જર્સી સાથે પંજાબના 'શેર' મેદાનમાં ઉતરશે ત્યારે કેપ્ટન અય્યરની બેટિંગ અને કેપ્ટનશીપ પર સૌની નજર રહેશે. ફ્રેન્ચાઇઝીને આશા છે કે આ વર્ષે શ્રેયસના નેતૃત્વમાં ટીમ તેમનું પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહેશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
