તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
બાંગ્લાદેશી ક્રિકેટરોનો પાકિસ્તાન પ્રવાસ જોખમમાં: "સુરક્ષામાં સહેજ પણ ખામી હશે તો PSL રમવા નહીં મોકલીએ", મંત્રી અમીનુલ હકની કડક ચેતવણી
IPL ના પ્રસારણ પરના પ્રતિબંધ અંગે પણ સરકાર કરશે પુનઃવિચાર; રમતગમત અને રાજકારણને અલગ રાખવા બાંગ્લાદેશના રમતગમત મંત્રીનો મોટો સંકેત

ઢાકા : પાકિસ્તાન સુપર લીગ (PSL) ૨૦૨૬ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બાંગ્લાદેશ સરકારના એક નિવેદને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની ઊંઘ ઉડાડી દીધી છે. બાંગ્લાદેશના યુવા અને રમતગમત રાજ્ય મંત્રી અમીનુલ હકે રવિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને જરા પણ આશંકા હશે, તો બાંગ્લાદેશના એક પણ ક્રિકેટરને પીએસએલ રમવા માટે પરવાનગી આપવામાં આવશે નહીં.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને સુરક્ષાના કારણોસર પીસીબીએ અગાઉથી જ પીએસએલની મેચો માત્ર લાહોર અને કરાચી પૂરતી મર્યાદિત રાખી છે અને મેચો 'બંધ દરવાજા' પાછળ (પ્રેક્ષકો વગર) રમાડવાનો નિર્ણય લીધો છે. આ ગંભીર સ્થિતિને જોતા અમીનુલ હકે કહ્યું કે, "અમે રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરાવ્યા બાદ જ અંતિમ નિર્ણય લઈશું. જો બીસીબી (BCB) અમને સુરક્ષાની ખાતરી આપશે, તો જ ખેલાડીઓ જશે. અમે રમતગમતને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ, પણ ખેલાડીઓના જીવના જોખમે નહીં."
બાંગ્લાદેશના ૬ સ્ટાર ખેલાડીઓ મુશ્કેલીમાં
ઉલ્લેખનીય છે કે, પીએસએલ ૨૦૨૬ માટે મુસ્તફિઝુર રહેમાન, રિશાદ હુસૈન, અને શોરીફુલ ઇસ્લામ સહિત કુલ ૬ બાંગ્લાદેશી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ૨૬ માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ માટે અગાઉ એનઓસી (NOC) આપવામાં આવ્યા હતા, પરંતુ હવે બદલાયેલી પરિસ્થિતિમાં સરકારની લીલી ઝંડી મળવી મુશ્કેલ જણાઈ રહી છે.
IPL પ્રસારણ પરનો પ્રતિબંધ હટશે?
મંત્રીએ એક અન્ય મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં આઈપીએલ (IPL) ના પ્રસારણ પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેની તેઓ તપાસ કરશે. અગાઉની વચગાળાની સરકારે સુરક્ષા અને રાજકીય તણાવનું કારણ આપીને પ્રસારણ રોક્યું હતું. હકે કહ્યું, "રમતગમતનું રાજકારણ ન થવું જોઈએ. અમે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છીએ છીએ. ઈદની રજાઓ પછી અમે બોર્ડ સાથે બેસીને આઈપીએલ પ્રસારણ પરના પ્રતિબંધ અંગે યોગ્ય નિર્ણય લઈશું."
જો બાંગ્લાદેશ સરકાર આઈપીએલના પ્રસારણને મંજૂરી આપે છે, તો તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો સુધારવા માટે એક મોટું કદમ સાબિત થઈ શકે છે. અત્યારે તો સૌની નજર ઈદ પછી લેવામાં આવનારા સરકારી નિર્ણયો પર ટકેલી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
