તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
ઝાંસીની ગલીઓથી આઈપીએલના સ્ટેડિયમ સુધી: અનિકેત વર્માની સંઘર્ષગાથા અને બેંગલુરુના મેદાનમાં સનરાઇઝર્સ માટે મચાવેલી તબાહી
ત્રણ વર્ષની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી અને કાકાએ ઉધાર પૈસે અપાવેલા મોબાઈલથી શરૂ થયેલી સફર હવે આઈપીએલ 2026 માં છગ્ગાની રમઝટ બોલાવી રહી છે: જાણો મધ્ય પ્રદેશના આ પાવર હિટરની આંખમાં પાણી લાવી દે તેવી કહાની

બેંગલુરુ:ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ્યારે વિરાટ કોહલીના નામના નારા લાગી રહ્યા હતા, ત્યારે હૈદરાબાદના એક યુવા બેટ્સમેને પોતાની વિસ્ફોટક બેટિંગથી આરસીબીના બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. અનિકેત વર્મા નામના આ ખેલાડીએ માત્ર 18 બોલમાં 43 રન ફટકારીને સાબિત કરી દીધું કે આઈપીએલ માત્ર સ્ટાર્સ માટે નથી, પરંતુ શૂન્યમાંથી સર્જન કરનારા પ્રતિભાઓ માટે પણ છે. સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા અનિકેતે જે રીતે ત્રણ ચોગ્ગા અને ચાર ગગનચુંબી છગ્ગા લગાવ્યા, તેણે સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દીધા હતા. હૈદરાબાદની ટીમને 200 રનનો આંકડો પાર કરાવવામાં આ યુવા ખેલાડીની ભૂમિકા નિર્ણાયક રહી હતી, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા વિના જ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
અનિકેતની આ સફળતા પાછળ વર્ષોના આંસુ અને અત્યંત ગરીબીનો સંઘર્ષ છુપાયેલો છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જન્મેલા અનિકેતે જ્યારે હોશ સંભાળ્યો ત્યારે જ માતાનો સાથ છૂટી ગયો હતો. આર્થિક ભીંસને કારણે પરિવાર મધ્ય પ્રદેશના ભોપાલમાં કાકાના આશરે રહેવા ગયો હતો. એક સમય એવો હતો જ્યારે અનિકેત પાસે ક્રિકેટ ટૂર્નામેન્ટની માહિતી મેળવવા માટે સાદો ફોન પણ નહોતો. તેના કાકાએ, જેઓ માંડ બે-ત્રણ હજારની નોકરી કરતા હતા, તેમણે અન્ય લોકો પાસેથી કરજ લઈને અનિકેતને સાત હજારનો મોબાઈલ અપાવ્યો હતો જેથી તે પોતાની રમત પર ધ્યાન આપી શકે. આજે તે જ અનિકેતે પોતાની મહેનતથી પરિવાર માટે નવું ઘર ખરીદ્યું છે અને આઈપીએલના મેદાનમાં કરોડોની કિંમતના ખેલાડીઓ સામે ટક્કર લઈ રહ્યો છે.
મેદાન પર અનિકેતની રમત તેની આક્રમક માનસિકતા દર્શાવે છે, જે તેણે ઘરેલું ક્રિકેટમાં સાબિત કરી બતાવી છે. ડિસેમ્બર 2024માં અંડર-23 વનડેમાં 75 બોલમાં સદી હોય કે મધ્ય પ્રદેશ લીગમાં 123 રનની આતશી ઈનિંગ, અનિકેત હંમેશા મોટા શોર્ટ્સ મારવા માટે જાણીતો રહ્યો છે. ગયા વર્ષે હૈદરાબાદે તેને 30 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો ત્યારે ઘણાને નવાઈ લાગી હતી, પરંતુ ગત સીઝનના 14 મેચોમાં 166ના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને તેણે ટીમના મેનેજમેન્ટનો ભરોસો સાર્થક કર્યો હતો. 23 વર્ષની ઉંમરે આઈપીએલ 2026ની પહેલી જ મેચમાં આવી ઝંઝાવતી શરૂઆત કરનાર અનિકેત વર્મા હવે ભારતીય ક્રિકેટના આગામી ફિનિશર તરીકે જોવામાં આવી રહ્યો છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
