તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
IPL 2026 : દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવી પરાજયનો સ્વાદ ચખાડ્યો : બોલરોએ મેદાન માર્યું
લુન્ગી એન્ગીડી અને ટી નટરાજનની ધારદાર બોલિંગ સામે લખનૌની ટીમ 141 રનમાં ઓલઆઉટ : દિલ્હીએ 142 રનનો મામૂલી લક્ષ્યાંક 17 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવી આસાનીથી હાંસલ કર્યો

નવી દિલ્હી:આઈપીએલ 2026ની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરતા લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. દિલ્હીના બોલરોના શિસ્તબદ્ધ આક્રમણ સામે લખનૌનો બેટિંગ ઓર્ડર ધરાશાયી થયો હતો અને પૂરી ટીમ નિર્ધારિત ઓવરો પહેલા જ માત્ર 141 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. 142 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે આક્રમક રમત બતાવી 17 બોલ બાકી રહેતા જ વિજય મેળવી લીધો હતો.
લખનૌનો બેટિંગમાં ધબડકો:
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત નબળી રહી હતી. ટીમ તરફથી અબ્દુલ સમદે સૌથી વધુ 36 રન અને મિચેલ માર્શે 35 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય એડન માર્કરામ 11, મુકુલ ચૌધરી 14 અને શાહબાઝ અહેમદ 15 રન બનાવી શક્યા હતા. ટીમના અન્ય કોઈ પણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા, જેના કારણે ટીમ મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ રહી હતી.
દિલ્હીના બોલરોનો કહેર:
દિલ્હી કેપિટલ્સના તમામ બોલરોએ શાનદાર લયમાં બોલિંગ કરી હતી. લુન્ગી એન્ગીડી અને ટી નટરાજને ઘાતક બોલિંગ કરતા 3-3 વિકેટો ઝડપી લખનૌની કમર તોડી નાખી હતી. કુલદીપ યાદવને 2 અને અક્ષર પટેલને 1 સફળતા મળી હતી. મુકેશ કુમારને ભલે વિકેટ ન મળી હોય પરંતુ તેણે 3 ઓવરમાં માત્ર 17 રન આપીને રન ગતિ પર અંકુશ રાખ્યો હતો. ઋષભ પંત રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:
દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપ્રજ નિગમ, લુન્ગી એન્ગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
લખનૌ સુપર જાયન્ટ્સ: ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસીન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્ટજે, પ્રિન્સ યાદવ.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
